પાલિકાની કુચેષ્ટા:જસદણમાં માવઠાંની આગાહી છતાં કોન્ટ્રાક્ટરે ચાલુ વરસાદે ડામર પાથર્યો

જસદણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજાના પરસેવાના પૈસાનું પાણી કરી નાખવાની પાલિકાની કુચેષ્ટા
  • પાલિકા રોડ પર મલમપટ્ટી લગાડવાના રૂ.40 લાખ કોન્ટ્રાક્ટરને ચૂકવશે

જસદણ નગરપાલિકા દ્વારા સને.2020-21 ના વર્ષની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી.-88) અંતર્ગત જસદણ શહેરના વોર્ડ નં.3,4 અને 7માં કમરીબાઈ પુલથી જૂના બસસ્ટેન્ડ સુધી અને જૂના બસસ્ટેન્ડથી સ્મશાન ગોળાઈ સુધી આસ્ફાલ્ટ રોડ-રસ્તા બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સૌથી મોટી નવાઈની વાત એ છે કે જસદણ નગરપાલિકા દ્વારા ગોંડલની યુનિક કન્ટ્રકશન કંપનીને આ રોડના નવિનીકરણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. છતાં ગોંડલની યુનિક કન્ટ્રકશન કંપનીએ અન્ય કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપી દઈ ઘરની ધોરાજી ચલાવી ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાથી જસદણના જાગૃત નગરજનોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હાલ જસદણમાં સ્મશાન ગોળાઈ નજીક જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા ઘરની ધોરાજી ચલાવી હવામાન વિભાગની આગાહી વચ્ચે પણ ડામર પાથરવાની કામગીરી કરવામાં આવતા જસદણ નગરપાલિકાના સત્તાધિશો અને અધિકારીઓ પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

જો કે આ અંગે જસદણ નગરપાલિકાના સત્તાધિશો અને અધિકારીઓની કામગીરી કરવાની નીતિ સામે પણ નગરજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ડામર રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદ હોવા છતા પણ રસ્તા ડામર પાથરવાની કામગીરી ચાલુ રાખવામાં આવતા હવે આ રોડ કેટલો સમય માટે ટકી રહેશે તે પણ એક સવાલ બની ગયો છે. બીજા દિવસે પણ આ બેદરકારી દાખવવાનું ચાલુ રહેતા આ અંગે જસદણ નગરપાલિકાના મ્યુનિસીપલ ઈજનેર એમ.એન.ડાંગરનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવતા તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવતા શંકા પણ વધુ પ્રબળ બની હતી.

અન્ય સમાચારો પણ છે...