રજૂઆત:જસદણના કોઠીના ખેડૂતોની સિંચાઈ માટે પાણીની માંગ

જસદણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરિયા થકી પાણી દેવા કિસાનોનું આવેદન

જસદણ તાલુકાના કોઠી ગામના ખેડૂતોને મળતા રાજાવડલા(જસ) નાની સિંચાઈ યોજનાના બંધ કરવામાં આવેલ પાણ(ધોરીયા) તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે કોઠી ગામના ખેડૂતોએ જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. સાથોસાથ જો તાત્કાલિક નાની સિંચાઈ યોજનાનું કોઠી ગામના ખેડૂતોને પાણી આપવામાં નહી આવે તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.

કોઠી ગામના ખેડૂતોએ જસદણ પ્રાંત અધિકારી બાટીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રાજાવડલા(જસ) નાની સિંચાઈ યોજના ડેમમાંથી અમો કોઠી ગામના ખેડૂતોને ધોરીયા મારફતે તમામ ખેડૂતોને ત્રણ પાણ આપવાનું નકકી થયેલ હતું. જેના ફોર્મ ભરીને નિયમાનુસારની રકમ જસદણ સિંચાઈ વિભાગને અંદાજે રૂ.50 હજારથી વધુની રકમ જમા કરવામાં આવી હતી. તેમ છતાં માત્ર એક-બે વખત પાણી આપી ધોરિયા બંધ કરવામાં આવતા ઉનાળાના કપરા સમયમાં ખેડૂતોને ખરા સમયે પાણી મળતું બંધ થતા પાક મુરજાઈ રહ્યો છે.

જો તાત્કાલિક પાણી છોડવામાં નહી આવે તો પાકને મોટું નુકસાન થશે. ખેડૂતોને ઉંચા ભાવના બિયારણ, ખાતરના ખર્ચાઓ વ્યર્થ જશે અને ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ જશે.આ બાબતે જસદણ પંચાયત વિભાગના ના.કા.ઈ. સમક્ષ 50 થી વધુ ખેડૂતોએ રૂબરૂ રજુઆત કરતા નાકાઈએ પાણી છોડવાની ઉપરથી ના પાડવામાં આવી હોવાનું જણાવી પાણી આપવાની ચોખ્ખી ના પાડી છે. જે ખેડૂતોએ નીયમ મુજબ ત્રણ પાણ માટેની રકમ સિંચાઈ વીભાગને ભરપાઈ કરી છે. તેવા ખેડૂતોને કોઈ કારણો વગર પાણી આપવાનો ઈન્કાર થવા યોગ્ય નથી.

હાલ ડેમમાં 7 ફૂટ પાણી ભરેલું છે. ગત વર્ષે તમામ પાણીનો ખેતી માટે ઉપયોગ કરવા છૂટ આપવામાં આવી હતી. જેથી ઉપરોકત રજૂઆત બાબતે ખેડૂતોએ ભરપાઈ કરેલી રકમ અને ખાત્રી મુજબ આગામી પાંચ દિવસમાં પાણી છોડવામાં નહીં આવે તો કોઠી ગામના ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...