જનારોગ્ય પર ખતરો:જસદણમાં વાજસુરપરાના 3500 લોકોને પીવાનું પાણી પૂરું પાડતા સમ્પમાં લટકી રહ્યાં છે અનેક પક્ષીના મૃતદેહ

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પંખીઓના મૃતદેહને લીધે માથાફાડ દુર્ગધ પાણીમા પ્રસરે છે. - Divya Bhaskar
પંખીઓના મૃતદેહને લીધે માથાફાડ દુર્ગધ પાણીમા પ્રસરે છે.
  • છેલ્લા 10 વર્ષથી નગરપાલિકાએ સમ્પની સફાઇ જ ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

જસદણ શહેરના વોર્ડ નં.2માં આવેલા વાજસુરપરા વિસ્તારમાં અંદાજે 3500 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. પરંતુ આ વિસ્તારમાં વસતા રહીશો માથે પાણીજન્ય રોગચાળો દસ્તક દઈને બેઠો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં વાજસુરપરા વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા ટાઉનહોલ પાસેના સંપમાં છેલ્લા ઘણા સમયથી પક્ષીઓના મૃતદેહ લટકી રહ્યા છે. છતાં જવાબદાર નગરપાલિકા તંત્ર દ્વારા આ સંપની સાફ-સફાઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી વાજસુરપરા વિસ્તારના હજારો લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે.

આ અંગે વિસ્તારવાસીઓએ જણાવ્યું હતું કે, જસદણ નગરપાલિકા દ્વારા જ્યારથી આ પીવાના પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે ત્યારથી આજદિન સુધીમાં ક્યારેય આ સંપની સફાઈ કામગીરી કરવામાં આવી નથી. હાલ આ સંપમાં અનેક પક્ષીઓના મૃતદેહ પડ્યા હોવાથી સંપમાં પગ મુકવો પણ ભારે પડી જાય તેટલી હદે દુર્ગંધ પ્રસરી રહી છે.

હાલ વિસ્તારવાસીઓને સ્થાનિક નગરપાલિકા તંત્રના પાપે શુદ્ધ પાણીના બદલે અશુદ્ધ પીવાનું પાણી પીવું પડી રહ્યું છે. જેથી જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા વાજસુરપરા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પૂર્વે સંપની યોગ્ય સાફ-સફાઈ કામગીરી કરવામાં આવે તેવી વિસ્તારવાસીઓની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

અનેકવાર રજૂઆત કરી છે છતાં કોઈ દાદ મળતી નથી
હું વોર્ડ નં.2 નો ભાજપનો ચૂંટાયેલો સભ્ય છું. મેેં આ સંપની સફાઈ કામગીરી કરવા બાબતે જસદણ નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે. છતાં હજી સુધી સંપની સફાઈ કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી નથી. આ સંપ અંદાજે 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે અને આ સંપની આજદિન સુધી સફાઈ કામગીરી પાલિકાએ કરી નથી.

આ સંપમાં અનેક પક્ષીના મૃતદેહ પડ્યા છે જેની મને જાણ છે. છતાં પાલિકા દ્વારા મારી રજૂઆતને સાંભળવામાં આવતી ન હોવાથી વિસ્તારવાસીઓને શુદ્ધ બદલે દુર્ગંધ યુક્ત પીવાનું પાણી પીવું પડી રહ્યું છે. જેથી વિસ્તારવાસીઓમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પૂર્વે નગરપાલિકા દ્વારા તાત્કાલિક સંપની સફાઈ કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે. > બીજલભાઈ ભેસજાળિયા, વોર્ડ નં.2ના કોર્પોરેટર

એરહોલમાં જાળી ન હોવાથી પક્ષી સમ્પમાં વસવાટ કરે છે
જસદણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીનો સંપ બનાવવામાં આવ્યો હતો. જોકે આ સંપની પાછળ દર વર્ષે નગરપાલિકા તંત્ર દ્વારા તગડો મેન્ટેનન્સ ખર્ચ પણ કરવામાં આવે છે. છતાં આ સંપમાં રહેલા એરહોલ(હવાબારી)માં જાળી લગાવવામાં આવેલ ન હોવાથી પક્ષીઓ એરહોલમાંથી સંપમાં પ્રવેશ કરી વર્ષોથી વસવાટ કરી રહ્યા છે.

જો જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આ સંપમાં રહેલ એરહોલમાં જાળી મુકવાની કામગીરી કરવામાં આવે તો પક્ષીઓ સંપમાં પ્રવેશ કરતા અટકી શકે છે. જેથી જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે સંપના તમામ એરહોલમાં જાળી લગાવવાની કામગીરી કરવામાં આવે તેવી વિસ્તારના રહીશોની માંગણી છે.

હું કાલે જ તપાસ કરાવું છું
આ બાબત હજી સુધી મારા ધ્યાને આવી નથી. છતાં આવું તો ન જ ચાલે. હું કાલે જસદણ નગરપાલિકાએ આવવવાનો છું અને તે સંપની કાલે જ તપાસ કરાવું છું. જો ખરેખર આવી સ્થિતિ હશે તો તાત્કાલિક તેની સફાઈ કામગીરી કરાવીશ. > અશ્વિન વ્યાસ, ઈન્ચાર્જ ચીફ ઓફિસર,જસદણ

અન્ય સમાચારો પણ છે...