હાલાકી:વીંછિયામાં નહિવત વરસાદથી પાકને નુકસાન, સહાયની માંગ

જસદણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વીંછિયા પંથકમાં, ખેડૂતોની સ્થિતિ કફોડી બની. - Divya Bhaskar
રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વીંછિયા પંથકમાં, ખેડૂતોની સ્થિતિ કફોડી બની.
  • બંધાળી અને મોઢુકા ગામના ખેડૂતો પાણીના અભાવે રવી પાક લઈ નહીં શકે

વિંછીયા તાલુકાના બંધાળી અને મોઢુકા ગામે દિવ્ય ભાસ્કરની ટીમે ખેડૂતોની મુલાકાત લઇ સ્થિતિ જાણી હતી. જેમાં બંધાળી અને મોઢુકા ગામે ખેડૂતોના ખેતરોમાં ઉભેલો કપાસ, મગફળી અને તલ સહિતના પાકો સુકાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હોવાનું સામે આવ્યું હતું. વિંછીયાના બંધાળી અને મોઢુકા ગામના ખેડૂતોએ ચોમાસાના આગમન પૂર્વે ખેતીમાં ખૂબ જ મહેનત કરીને માંડ-માંડ કપાસ, મગફળી અને તલ સહિતના પાકો ઉગાડ્યાં હતા.

પરંતુ આ વર્ષે ચોમાસા દરમિયાન રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વિંછીયા પંથકમાં પડ્યો હોવાથી જમીનના તળમાં પાણી પણ ઉપર આવ્યા નથી. જેના કારણે પાણી વગરના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ઓછા વરસાદના લીધે ખેતરોમાં ઉભેલો કપાસ, મગફળી અને તલ સહિતના પાકો સુકાઈ જતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આ વર્ષે બંધાળી અને મોઢુકા ગામના ખેડૂતો પાણીના અભાવે રવિ પાક લઈ શકે તેવી કોઈ સ્થિતિ જોવા મળી ન હતી. કારણ કે આ વિસ્તારમાં વરસાદનો ખુબ અભાવ છે.

​​​​​​​બીજીબાજુ ખેડૂતોના પશુઓને ખવડાવવા માટે પણ ઘાસચારાની મોટી ચિંતા ઉભી થઈ છે. હાલ વિંછીયા પંથકમાં મોટાભાગના તળાવો અને ચેકડેમ સહિતના જળાશયો ખાલીખમ પડ્યા છે. જેથી રાજ્ય સરકારના કૃષિમંત્રી દ્વારા વિંછીયા પંથકના ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર આપી યોગ્ય સહાય આપવામાં આવે અને વહેલી તકે પશુઓને ઘાસચારો તેમજ લોકોને પાણી આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી બન્ને ગામના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

કૃષિમંત્રીને સહાય અંગેની વાત ધ્યાને મૂકવામાં આવી છે
રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વિંછીયા પંથકમાં 210 મી.મી. અને જસદણ પંથકમાં 324 મી.મી. વરસાદ નોંધાયો છે. તલ, કપાસ અને મગફળીના પાકોમાં ભારે નુકસાન થયેલ છે. નાળા, ચેકડેમમાં પાણી ભરાયા નથી. બોર કે કુવામાં સિંચાઈ માટેના પાણી નથી. ફક્ત મોલાતને જીવનદાન મળે તેવો ઝરમર વરસાદ ચાલુ રહ્યો છે. આગામી દિવસોમાં ખેડૂતોને સહાય મુદ્દે કૃષિમંત્રીને આ વાત ધ્યાને મુકી છે. > ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ.

12 થેલી વાવેલો કપાસ સુકાઈ ગયો
બંધાળી ગામના ખેડૂત વેલાભાઇએ જણાવ્યુ હતુ કે અત્યારે અમારા ગામના બધા ખેડૂતોને નુકસાન થયેલ છે. જ્યારે ઉભેલા પાકને પાણી પાવાનું હતું ત્યારે પાણી ન હતું. હવે વરસાદના છાંટા પડ્યા તો બધું સુકાઈ ગયું છે. હવે તો ખેડૂતોને પાણીનું અને માલઢોરનું શું કરવું તે પ્રશ્ન છે. મેં 12 થેલી વાવેલો કપાસ સુકાઈ ગયો છે.

હવે તો સરકાર તાત્કાલીક સહાય કરે તે જરૂરી છે. અત્યારે તો કુવામાં પાણી પણ નથી નહિતર કઈક આડું-અવળું કરીને પણ રોડવીએ. આ ઉપરાંત મહિલા ખેડૂત અમુબેને જણાવ્યુ હતુ કે મેં આ કામ કર્યું તે બધું ગયું. પહેલા વરસાદ ન થયો અને પછી માત્ર છાંટા પડતા મારો ઉભેલો કપાસ સુકાઈ ગયો છે. માલઢોરને પણ શું ખવડાવવું તે સવાલ બની ગયો છે. હવે તો સરકાર સામું જોવે અને સહાય આપે તો જ આ નુકસાની ભરપાઇ થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...