આવેદન:વીંછિયા-ચોટીલા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર, કોંગ્રેસ સમિતિનું આવેદન

જસદણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય ખોટેખોટા ઉદઘાટન કરે છે પણ કામ થતા ન હોવાના આક્ષેપ

વિંછીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિંછીયાથી ચોટીલા રોડનું કામ છેલ્લા દોઢ વર્ષથી બંધ છે અને રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો હોય અને તાત્કાલિક રોડનું કામ ચાલુ કરવા માટે અનેકવાર માર્ગ અને મકાન વિભાગના અધિકારી તેમજ મુખ્યમંત્રી અને રોડ રસ્તા વિભાગના કેબિનેટ મંત્રીઓને રજૂઆત કરવામાં આવ્યુ. છતાં પણ આ રોડ-રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યુ ન હતું. જેથી વિંછીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વિંછીયાથી ઢેઢુકી સુધીના રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

જેના પગલે વિંછીયાથી ઢેઢુકી સુધીના રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેથી રસ્તા રોકો આંદોલન મોકુફ રાખવામાં આવેલું. સરકારને અને રાજકીય આગેવાનોને તાકીદ કરવામાં આવે છે કે આ વિસ્તારની અંદર અનેક જગ્યાએ વર્ષોથી એકની એક જગ્યાએ ચારથી પાંચ વાર ખોટેખોટા ઉદ્ઘાટન કરેલા છે. પરંતુ એક પણ જગ્યાએ ટાઈમસર કામ શરૂ કરાતા નથી. આ વિસ્તારની અંદર સારા રોડ-રસ્તા કે પિયત માટે ખેડૂતોને પાણી જેવી સુવિધા પણ નથી. ના છૂટકે અમારે આંદોલન કરવા પડે ત્યારપછી બહેરી મૂંગી સરકારની આંખ ખુલે છે.

તો અમે વિંછીયા તાલુકા કોંગ્રેસ સમિતિ સરકારને તાકીદ કરીએ છીએ જે કામ અટકેલા છે તે યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે. આ તકે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશભાઈ રાજપરા, વિંછીયા જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ તલસાણીયા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ બાવળીયા તેમજ આકાશભાઈ ભાલાળા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...