પ્રજાના પૈસા પાણીમાં:જસદણમાં વોકિંગ ઝોન પરના પેવર બ્લોક માથે કોન્ટ્રાક્ટરે ડામર ચોપડી દીધો!

જસદણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માવઠાંની સ્થિતિમાં પેવર કામ શરૂ રાખનારી પાલિકાને કોઇ સદબુધ્ધિ આપે!
  • જો નગરપાલિકાના સત્તાધીશો બેદરકારી દાખવતા રહેશે તો પ્રજાના રૂ.40 લાખ ધોવાઇ જવાના

જસદણ નગરપાલિકા દ્વારા શહેરનો વિકાસ કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે શહેરના જૂના બસસ્ટેન્ડથી લઈને આંબેડકર ભવન સુધી લોકોની સુખાકારી માટે વોકિંગ ઝોન બનાવવામાં આવ્યો હતો. પરંતુ પાલિકા દ્વારા વોકિંગ ઝોન માટે જે બ્લોક પાથરવામાં આવ્યા હતા તેના ઉપર ડામર રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવતા નગરજનોમાં પાલિકાના સત્તાધિશો અને અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

જસદણ નગરપાલિકા દ્વારા સને.2020-21 ના વર્ષની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી.-88) અંતર્ગત વોર્ડ નં.3,4 અને 7 માં કમરીબાઈ પુલથી જૂના બસસ્ટેન્ડ સુધી અને જૂના બસસ્ટેન્ડથી સ્મશાન ગોળાઈ સુધી આસ્ફાલ્ટ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે નવાઈની વાત એ છે કે જસદણ નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ પ્રજાના પરસેવાના લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ વોકિંગ ઝોન પર ડામર રોડના કોન્ટ્રાક્ટરે ઘરની ધોરાજી ચલાવી પોતાની મનમાની ચલાવતા જસદણના જાગૃત નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે.

ત્યારે જાગૃત નગરજનોમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે, જો જસદણ નગરપાલિકાના સત્તાધિશો અને અધિકારીઓ દ્વારા જૂના બસસ્ટેન્ડથી લઈને આંબેડકર ભવન સુધી ડામર રોડ જ બનાવવાનો હતો. તો શા માટે અગાઉ પ્રજાના પરસેવાના લાખો રૂપિયા વોકિંગ ઝોનમાં વાપર્યા હતા તેવા અનેક વેધક સવાલો નગરજનો ઉઠાવી રહ્યા છે. જેથી જસદણ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પ્રજાના પૈસાનું આવી રીતે પાણી કરવાનું બંધ કરે અને નીતિ નિયમ મુજબ જ ડામર રોડની કામગીરી કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...