ભ્રષ્ટાચાર:જસદણમાં કમરીબાઇ પુલ પાસેથી કોન્ટ્રાક્ટરે રોડનું ખોદકામ કર્યા વિના જ ડામર પાથરી દીધો

જસદણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેણે બીજી કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપી દઈ ભ્રષ્ટાચાર આચર્યો

જસદણ નગરપાલિકા દ્વારા સને.2020-21 ના વર્ષની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નં.3,4 અને 7 માં કમરીબાઈ પુલથી જુના બસસ્ટેન્ડ સુધી અને જુના બસસ્ટેન્ડથી સ્મશાન ગોળાઈ સુધી આસ્ફાલ્ડ રોડ બનાવવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે નવાઈની વાત એ છે કે પાલિકા દ્વારા ગોંડલની યુનિક કન્ટ્રકશન કંપનીને આ રોડનું નવીનીકરણ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ સત્તાધીશોની મિલીભગતના લીધે આ કોન્ટ્રાક્ટ ગોંડલની યુનિક કન્ટ્રકશન કંપનીએ અન્ય કંપનીને આપી દઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાથી જસદણના જાગૃત નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે.

હાલ જસદણમાં સ્મશાન ગોળાઈ નજીક જેતે જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબ જુના રોડનું ખોદકામ અને તેમાં મેટલીંગ કર્યા વગર જ જુના રોડ પર ડામર પાથરી દીધો હોવાથી પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પાલિકાના સત્તાધીશો અને જવાબદારો દ્વારા કમરીબાઈ પુલ પર બનાવવામાં આવેલ નવા ડામર રોડની અને સ્મશાન ગોળાઈ નજીક બનાવવામાં આવી રહેલા ડામર રોડની નિયમ મુજબ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી નવા કોન્ટ્રાક્ટરને આ રોડની કામગીરી સોંપાઇ તેવી માંગણી ઉઠવા પામી છે.

જોકે આ ભ્રષ્ટાચાર અંગે જસદણ નગરપાલિકાના મ્યુનીસીપલ ઈજનેર એમ.એન.ડાંગરનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવતા તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોને નેવે મૂકી ડામર રોડની કામગીરી કરવામાં આવતી હોવાથી આ રોડ કેટલો ટકશે તે જોવાનું રહ્યું. છતાં તંત્ર દ્વારા આ રોડમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને રોકવાના બદલે આંખ આડા કાન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...