વિવાદ:જસદણમાં ગટર નાખવા કોન્ટ્રાક્ટરે મંજૂરી વગર સિંચાઈની કેનાલ તોડી, ખેડૂતો વિફર્યાં

જસદણ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઈ મંડળીના પ્રમુખની કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સરકારમાં ફરિયાદ કરવા તજવીજ

જસદણમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા બીજા તબક્કાની ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારથી આ કામગીરી ચાલુ કરવામાં આવી છે ત્યારથી આજદિન સુધી કોન્ટ્રાક્ટરની બેદરકારીભરી કામગીરી સામે અનેક ફરિયાદો ઉઠવા પામી છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈપણ પ્રકારના શિક્ષાત્મક પગલા લેવામાં આવતા નહી, ત્યારે આલણસાગર ડેમની સિંચાઈ મંડળીની પિયત માટેની કેનાલને ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરે જસદણ સિંચાઈ સહકારી મંડળીની કે ઈરીગેશનની પરમીશન લીધા વગર જ પાઈપલાઈન નાખવા ખોદી નાખતા ખેડૂતોમાં રોષ ઉઠ્યો હતો. આ અંગેની જાણ થતા સિંચાઈ સહકારી મંડળીના પ્રમુખ લાધાભાઈ છાયાણી અને કારોબારી મેમ્બર વિઠ્ઠલભાઈ સખીયા સહિતના કેનાલ ખાતે દોડી ગયા હતા અને કોન્ટ્રાક્ટર સામે કાર્યપાલક ઈજનેર તેમજ સરકારમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સરકારને ફરિયાદ કરીશું
અમારી પાસેથી આ કામના કોન્ટ્રાક્ટરે કોઈ પરમીશન લીધી જ નથી. આવી રીતે અવારનવાર મંજુરી લીધા વગર કેનાલ તોડવામાં આવતી હોય છે છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આ કોન્ટ્રાક્ટરે કેનાલને તોડતા પહેલા સિંચાઈ મંડળી અને ઈરીગેશનની મંજુરી લેવી જોઈએ. અમે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યપાલક ઈજનેર અને સરકારને ફરિયાદ કરીશું. > લાધાભાઈ છાયાણી, સિંચાઈ સહકારી મંડળીના પ્રમુખ,જસદણ

તપાસ કરી એજન્સીને નોટિસ આપશું
અમારી ઓફીસ તરફથી કોન્ટ્રાક્ટરને કેનાલ તોડવાની કે અન્ય કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી જ નથી અને એ લોકોએ અમારી મંજુરી પણ લીધી નથી. અમે આ અંગે સ્થળ પર તપાસ કરીશું અને પછી એજન્સીને નોટીસ આપીશું. > પ્રિયાંક ભોજા, ઈન્ચાર્જ ડે.એક્ઝીક્યુટીવ એન્જિનીયર, નાની સિંચાઈ યોજના

અન્ય સમાચારો પણ છે...