ફરિયાદ:જસદણમાં યુવાન પાસે 120% વ્યાજ વસૂલનાર સામે ફરિયાદ

જસદણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરી માટે આવેલા યુવાનને 80 હજાર ના 3 લાખ ચૂકવવા દબાણ

રાજ્યભરમાં સરકારે વ્યાજખોરોને ડામી દેવા ખાસ ઝુંબેશ આદરી છે. જેને લઈને જસદણમાં ખાનગી નોકરી કરવા આવેલા મોડાસાના યુવાને 80,000 રૂપિયા વ્યાજે લીધા પછી ત્રણ લાખ ચૂકવવા ધમકીઓ મળતા ફરિયાદ દાખલ કરાવી હતી. આ બનાવમાં ફરિયાદી વિશ્વાસ ક્રાંતિભાઈ પરમાર(ઉ.વ.32) (રહે-દધાલીયા, તા-મોડા સા, અરવલ્લી)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે 2022માં જસદણમાં નોકરી કરતો હતો.

ત્યારે રૂપિયાની જરૂર પડતા જગદીશ ધીરૂભાઈ વઘાસીયા પાસેથી વાર્ષિક 36 ટકાના વ્યાજે 80 હજાર રૂપિયા લીધા હતા. પરંતુ બાદમાં વાર્ષિક 120 ટકા વ્યાજ ભરવાનું દબાણ કર્યુ હતું, એટલે કે 80 હજારના 3 લાખ ભરવા કહ્યું હતું. જેથી જગદીશ અને ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ વિશ્વાસને ધમકીઓ આપી હતી. ડરના કારણે તેણે નોટરી સ્ટેમ્પ પેપર ઉપર સહી કરી આપી હતી. જે સ્ટેમ્પમાં લખાણ હતું કે, તેણે જગદીશભાઈ પાસેથી 3 લાખ ઉછીના લીધા છે. આ સાથે ચેક પણ લઈ લીધો હતો. છતાં ફોન પર ધમકીઓ અપાતી હોય તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

વ્યાજખોર અવારનવાર રૂપિયાની માંગણી કરી ચેક રિટર્નનો કેસ કરી દેવાની ધમકી આપતો હતો. જેથી બેંકમાં અરજી આપી હતી કે, કોઈપણ વ્યક્તિ ચેક લઈને આવે તો વ્યવહાર કરવો નહીં અને અમારા એકાઉન્ટમાં ચેકથી પેમેન્ટ બંધ કરાવવા જણાવાયું હતું. વ્યાજખોરો કેટલાય લોકોની જિંદગી બરબાદ કરી નાખશે તેમ જણાવી વિશ્વાસે ન્યાયની આશા સાથે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જસદણ પોલીસે વિશ્વાસની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...