તંત્રની પોલ ખૂલી:રાજકોટ કલેક્ટરે તાલુકામાં 10 ઈંચ વરસાદ પડ્યાના આંકડા જાહેર કર્યા, પરંતુ વીંછિયા પંથકમાં પડ્યો છે માત્ર પાંચ ઇંચ!

જસદણ5 મહિનો પહેલા
  • વીંછિયાના તમામ જળાશયોમાં એક પણ ટીપું પાણી નથી ને તંત્રએ મસમોટા આંકડા જાહેર કરતા ખેડૂતોમાં નારાજગી

રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં ચાલુ ચોમાસા દરમિયાન માત્ર 5 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. છતાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વીંછિયા તાલુકામાં 10 ઈંચ વરસાદ પડ્યો હોવાના આંકડા જાહેર કરી અસરગ્રસ્ત વિસ્તારને હરિયાળો દર્શાવતા પંથકના ખેડૂતો સાથે અન્યાય કરાયો હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

તાલુકાનું રેવાણીયા તળાવ ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે નહિવત વરસાદ પડતા હાલ આ તળાવમાં એકપણ ટીપું પાણી પણ નથી. રેવાણીયા તળાવ હેઠળના થોરીયાળી, વાંગધ્રા, સમઢીયાળા અને ગોરૈયા સહિતના અનેક ગામો તળાવના પાણી પર આધારિત છે. ચાલુ વર્ષે વીંછિયા તાલુકાના ખેડૂતોએ કુલ 32561 હેકટર જમીનમાં વાવેતર કર્યું છે. તાલુકાના સિંચાઈના ચેકડેમ અને તળાવ ખાલીખમ પડ્યા છે.

વીંછિયા પંથકના તમામ જળાશયોમાં એક પણ ટીપું પાણી ન હોવાથી આ વિસ્તારમાં પશુઓ માટે પીવાનું પાણી પણ મળવું મુશ્કેલ છે. હાલ પશુપાલકોને પશુઓ માટે પાણી મેળવવા દુર-દુરના ખેતરોમાં ભટકવું પડી રહ્યું છે. હાલ વિંછીયા પંથકમાં ખેડૂતોને પશુઓ માટેનો ઘાસચારો કેવી રીતે આપવો અને પશુઓને કેવી રીતે બચાવવા તે સૌથી મોટો સવાલ બની ગયો છે. જેથી વીંછિયાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે અને પંથકના તમામ જળાશયો વહેતી તકે નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી ખેડૂતોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે. જો તાલુકાને અસ્તગ્રસ્ત જાહેર કરવામાં નહી આવે અને ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવશે તો મામલતદાર કચેરી સામે ખેડૂતો ઉપવાસ આંદોલન સાથે આજથી ધરણા કરશે તેવી ચીમકી આપી છે.

ચોપડે 5 ઇંચ વરસાદ નોંધાયો છે
વીંછિયામાં આજદિન સુધીમાં 125 એમ.એમ. એટલે 5 ઈંચ વરસાદ નોંધાયો છે. અખબારમાં 10 ઈંચ આવ્યું છે તેવી વાત મળી છે અને તેના આધારે ખેડૂતો રોષ દર્શાવી રહ્યા છે. ખરેખર અમારા સરકારી ચોપડે 5 ઈંચ વરસાદ નોંધાયો છે અને 125 એમ. એમ. થી વધુ વરસાદ પડે તો તાલુકો અસરગ્રસ્તમાંથી બાદ થઇ જાય છે. > પી. એમ. ભેસાણિયા, ઇન્ચાર્જ મામલતદાર, વીંછિયા

ખેડૂતોને ન્યાય ન મળે તો ગાંધીનગર સુધી આંદોલન કરીશું
સરકારે જે આંકડા જાહેર કર્યા છે તે સાવ ખોટા છે. કલેકટરે મામલતદાર અને ટીડીઓ પાસે સર્વે કરાવવો જોઈએ કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. તાલુકામાં માત્ર ત્રણ ઈંચ ઝરમર વરસાદ જ પડ્યો છે અને સરકારી આંકડા કહે છે કે 10 ઈંચ વરસાદ પડ્યો છે. જો સરકાર દ્વારા તાત્કાલિક માણસો અને પશુઓ માટેની પાણીની વ્યવસ્થા કરવામાં નહી આવે તો અમે આંદોલનો કરીશું. છતાં ન્યાય નહી મળે તો ગાંધીનગર સુધી અમે જઈશું. > મુકેશભાઇ તલસાણિયા, ખેડૂત, વીંછિયા

પાણી હોય ત્યાં પાવા જઇએ છીએ
તાલુકામાં પુરતો વરસાદ વરસ્યો નથી જેના કારણે એકપણ તળાવમાં પાણી નથી. સરકારે જે 10 ઈંચ વરસાદના જે આંકડા જાહેર કર્યા છે તે સાવ ખોટા છે. અત્યારે તળાવો ખાલીખમ પડ્યા છે અને માણસોને તેમજ પશુઓને પીવાનું પાણી મળતું નથી. અત્યારે જેની વાડીમાં પાણી હોય ત્યાં પશુઓને પાવા જઈએ છીએ અને સાંજ પાડી દઈએ છીએ. > નથુભાઇ ડાભી, ખેડૂત, વીંછિયા

પાણી માટે દૂર-દૂર ખેતરો ખૂંદવા પડે છે
અમારા વિસ્તારમાં આજદિન સુધીમાં માત્ર ત્રણ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે અને તળાવના ખાડા પણ ભરાયા નથી. અત્યારે તો અમારા પશુઓ માટે પાણી પણ મળતું નથી અને પાણી માટે અમારે દુરદુર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે. > જાદવભાઇ, ખેડૂત, વીંછિયા