ભાવનગર જિલ્લાના તલગાજરડા મુકામે દર વર્ષે મોરારીબાપુના હસ્તે સમગ્ર રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવે છે. જેમાં દરેક જિલ્લામાંથી એક શિક્ષકની પસંદગી કરવામાં આવે છે. વર્ષ 2021-22 માટે જસદણ તાલુકાની વિરનગરના શિક્ષક દેવકુબેન દાદભાઈ બોરીચાને આ પારિતોષિક એનાયત થયો હતો. તેઓ જંગવડ ગામના વતની છે અને વિરનગર પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
દેવકુબેન બોરીચા ધોરણ 6 થી 8 માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણકાર્યની સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓના જીવનઘડતર માટે તેઓ કાર્યરત છે. ભાષા શિક્ષણમાં તેઓ નવતર પ્રયોગો કરી વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ દ્રઢ કરવા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમના મતે ફક્ત અભ્યાસક્રમ પૂરો કરવો એ શિક્ષણ કાર્ય નથી.
વિદ્યાર્થીઓની જરૂરીયાત પ્રમાણે મૂળાક્ષરોથી શરૂઆત કરવી પડે તો પણ તેઓ હંમેશા તત્પર રહે છે. દેવકુબેનને વર્ષ 2021 માટે રાજ્ય સરકાર તરફથી તાલુકા શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક પણ મળ્યો છે. વ્યાકરણમાં વિદ્યાર્થીઓની સજ્જતા વધે એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ કાવ્ય લેખનનો શોખ ધરાવે છે. બાળ સાહિત્યના પુસ્તકમાં તેમણે સહલેખક તરીકેની કામગીરી પણ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.