વીંછિયામાં હાઈ-વે પર દુકાનો અને કેબીનોમાં નાનો વેપાર-ધંધો કરી રોજીરોટી મેળવતા વેપારીઓના ગેરકાયદે દબાણો તાજેતરમાં રાજકોટ કલેકટરના હુકમથી દૂર કરવામાં આવ્યા હતા. જેના પગલે વેપારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને 200 જેટલા વેપારીઓએ વીંછિયા મામલતદારને વેપાર-ધંધો કરવા માટે સરકાર દ્વારા તાત્કાલિક ભાડે જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર આપી મામલતદાર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન છેડ્યું હતું.
તે સમયે વેપારીઓએ આક્ષેપો કર્યા હતા કે, આ ડિમોલિશનમાં માત્ર નાના વેપારીઓનું જ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. જ્યારે મોટામાથાનું દબાણ દૂર કરવામાં આવ્યું નથી. હાલ વીંછિયામાં નાના વેપારીઓના ખાણી-પીણીના ધંધા-રોજગાર સાવ ભાંગી પડ્યા છે.
જ્યાં સુધી નાના વેપારીઓને ધંધો-રોજગાર કરવા માટે સરકારી જગ્યા ફાળવવામાં નહી આવે ત્યાં સુધી 200 જેટલા વેપારીઓ ભૂખ હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારતા સરકારી તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયું હતું. આ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરવામાં આવતાં આખરે નાયબ કલેકટર અને મામલતદાર સહિતના અધિકારીઓએ ઉપવાસ છાવણીમાં બેઠેલા વેપારીઓને આગામી બે દિવસમાં જગ્યા ફાળવી આપવાની ખાતરી આપતા વેપારીઓએ છેડેલું આમરણાંત ઉપવાસ આંદોલન સમેટાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.