બેદરકાર તંત્ર:જસદણમાં હાઇસ્કૂલ પાસે મોતના ખાડામાં અકસ્માત રોકવા ધંધાર્થીએ કેરેટ ગોઠવ્યા!

જસદણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની તરગાળા શેરીમાં ભૂગર્ભ ગટર ઉભરાવાનો પ્રશ્ન હલ કરવા પાલિકાએ ખોદેલા ખાડાએ અનેક પ્રશ્નો વધાર્યા

જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં ઠેક-ઠેકાણે સ્વચ્છતાના બેનરો તેમજ અભિયાનો તો હાથ ધરવામાં આવતા હોય છે. પરંતુ જસદણ નગરપાલિકા તંત્રનું સેનિટેશન વિભાગ માત્ર ગંદકી હટાવવાના બદલે તેને જોઈને જ સંતોષ માની લેતું હોય તેવું વર્ષોથી જોવા મળી રહ્યું છે.

જસદણ નગરપાલિકા તંત્ર આજદિન સુધી સરકારમાં પોતાની સારી છબી ચીતરવા માટે સ્વચ્છતા અભિયાનની કામગીરી માત્ર કાગળ પર જ બતાવતું આવ્યું છે. જ્યારે હકીકતમાં જસદણ શહેરની સ્થિતિ જોવામાં આવે ત્યારે જ ખબર પડે કે શહેરભરમાં સ્વચ્છતા અભિયાન કેવું ચાલી રહ્યું છે. ત્યારે જસદણની મધ્યમાં આવેલી તરગાળા શેરીના મુખ્ય રસ્તા પર વર્ષોથી ગટરોના ગંદા પાણીઓની રેલમછેલ જોવા મળતી હતી. છતાં જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા ગટરની ગંદકી પ્રશ્ને કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે જસદણ નગરપાલિકા તંત્ર મોડે મોડે હરકતમાં આવ્યું હતું અને તરગાળા શેરીની ગટર ઉભરાવાની સમસ્યાને હલ કરવા માટે મેઈન બજારની વચોવચ જ મસમોટા ખાડોઓ ખોદી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

જો કે જસદણની ડીએસવીકે હાઈસ્કૂલના ગેટ પાસે જ ખોદવામાં આવેલો ખાડો નગરપાલિકા તંત્ર દ્વારા બુરવામાં નહી આવતા રાહદારીઓ તેમજ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. આ ખાડાને લીધે દરરોજ નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. છતાં જસદણ નગરપાલિકા તંત્રને આ ખાડો નજરે ન દેખાતા ફ્રુટના ધંધાર્થીએ લોકોને અકસ્માતથી બચાવવા માટે આ ખાડામાં ફ્રુટના કેરેટ ગોઠવી દીધા હતા. જો વહેલી તકે જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આ ખાડાને બુરવાની તસ્દી લેવામાં નહી આવે તો હજુપણ અનેક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...