હાલાકી:આટકોટ ગામે જસદણ-આટકોટ ફોરલેન પર ગટરના ગંદા પાણી ફરી વળતા વાહનચાલકોની પરેશાની વધી

જસદણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ભલે સફળ નીવડ્યું હોય, પરંતુ અહીં તો ફિયાસ્કો

દેશમાં ભલે સ્વચ્છ ભારત અભિયાન સફળ નીવડ્યું હોય, પરંતુ આટકોટમાં તો સ્વચ્છ ભારત અભિયાનનો ફિયાસ્કો જ જોવા મળી રહ્યો છે. કારણ કે જસદણ-આટકોટ ફોરલેન રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે સ્થાનિક રહીશો અને જસદણ-આટકોટ ફોરલેન રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જસદણ-આટકોટ ફોરલેન રોડ પરથી પસાર થવામાં લોકોને ગટરના ગંદા પાણીની દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.

જો કે આટકોટ ગ્રામ પંચાયત તંત્ર પાસે સફાઈ કામદારોનો પુરતો સ્ટાફ પણ છે અને ગ્રામજનો પાસેથી લાખો રૂપિયાનો સફાઈ વેરો પણ વસુલ કરવામાં આવે છે. છતાં જસદણ-આટકોટ ફોરલેન રોડ નજીક વસતા લોકોને આ ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આટકોટ ગ્રામ પંચાયતની બેદરકારીના લીધે ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. આ અંગે ગ્રામજનો દ્વારા અનેકવાર ગ્રામ પંચાયતને રજુઆતો કરવામાં આવી છે.

છતાં આ કામના જવાબદારો ગ્રામજનોની રજૂઆતને બહેરાકાને સાંભળી બાદમાં બધું ભૂલી જતા હોવાથી આટકોટના ગ્રામજનો હાલ આ ગટરના ગંદા પાણી વચ્ચે પોતાનું જોખમી જીવન ગાળી રહ્યા છે. છતાં આટકોટ ગ્રામ પંચાયત તંત્રના જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી. એકબાજુ કોરોના જેવો જીવલેણ રોગચાળો ફરી ફૂંફાડો મારી રહ્યો છે. ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયત તંત્ર ઉંઘતું ઝડપાયું હોવાથી ગ્રામજનો ભારે મુંઝવણમાં મુકાઈ ગયા છે.

ભયંકર બદબૂની ફરિયાદ, લોકોને પસાર થવુ મુશ્કેલ
એકબાજુ આટકોટમાં રઝળતા પશુની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની રહી છે. ત્યારે અધૂરામાં પૂરું સ્થાનિક તંત્રની બેદરકારીના લીધે ગામની શેરી અને ગલીમાં સફાઈના અભાવે ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. છતાં લોકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...