ભાસ્કર ઈમ્પેક્ટ:જસદણમાં જૂની નગરપાલિકા કચેરી પાસે કમરીબાઈ પુલ પર અંતે ડામરકામ કરાયું

જસદણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરે ડામર રૂપી મલમ લગાડી દીધો, કેટલો ટકે તે જોવાનું!

જસદણમાં જૂની નગરપાલિકા કચેરી નજીક આવેલા કમરીબાઈ પુલ પરનો રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે આ રોડ ઉંટ સવારી કરાવતો હોય તેવો બની જતા વાહનચાલકોને નાછૂટકે કાચબા ગતિએ ચાલવાની ફરજ પડી રહી હતી. આ રોડ પર એટલી હદે ખાડાઓ પડી ગયા હતા કે તેને માપવા કે ગણવા મુશ્કેલ બની ગયા હતા. જેના લીધે કમરીબાઈ પુલના રોડ પરથી વાહનચાલકોને પોતાના જીવના જોખમે પસાર થવું પડી રહ્યું હતું.

જેથી જસદણ પાલિકાના જવાબદારો દ્વારા આ બિસ્માર રસ્તાના લીધે કોઈ મોટી અકસ્માતની દુર્ઘટના ઘટે તે પૂર્વે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી હતી. આ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાતા આખરે નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને કમરીબાઈ પુલ પર ડામર પાથરી રોડનું નવિનીકરણ કરવામાં આવતા રાહદારીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પરંતુ આ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કમરીબાઈ પુલ પર ડામર રૂપી મલમ લગાડવાની કામગીરી કરવામાં આવતા આ રોડનું આયુષ્ય જોખમમાં મુકાયું હતું. જેથી વિકાસના મોટા બણગા ફૂંકનારા જસદણ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા તાત્કાલિક આ રોડની કામગીરી અંગે નિયમ મુજબ ચકાસણી કરવામાં આવે અને ત્યારબાદ જ કોન્ટ્રાક્ટરને બીલનું ચુકવણું કરવામાં આવે તેવી જસદણની જાગૃત જનતાની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...