તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખર્ચ પાણીમાં:જસદણમાં 11 મહિના પહેલા પાલિકાએ બનાવેલા રસ્તા પરથી ડામર ઉખડી ગયો

જસદણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીઆઈડીસીથી બાયપાસ સર્કલ સુધીનો ડામર રોડ બેહાલ બન્યો, તંત્રે કરેલા લાખાનો ખર્ચ પાણીમાં જતા લોકોમાં રોષ

જસદણ નગરપાલિકા દ્વારા અંદાજે 11 મહિના પહેલા જ સરકારની રોડ રિસરફેસિંગની ગ્રાન્ટમાંથી રૂ.1.22 કરોડના ખર્ચે શહેરના ત્રણ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જે ત્રણ રોડ પૈકીનો જસદણના નવા બસસ્ટેન્ડથી આટકોટ રોડ બાયપાસ સર્કલ સુધીનો લાખો રૂપિયાના ખર્ચે એક સાઈડનો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડના કામમાં કોન્ટ્રાક્ટરે રાતોરાત રોડનું કામ પૂરું કરી બીજા દિવસે જ ચાલકો માટે રોડ ખુલ્લો મૂકી દેતા જેતે સમયે ચાલકોમાં ખુશાલી છવાઈ ગઈ હતી.

પરંતુ આ રોડમાં પાથરેલો ડામર ગણતરીના દિવસોમાં જ ઉખડી જતા પ્રજાના પૈસાનું પાણી થઈ ગયું હતું. જોકે તે સમયે કોન્ટ્રાક્ટરે પોતાનું પાપ ઢાંકવા માટે ડામર રોડમાં પડેલા ગાબડાઓમાં થીંગડા બુરી હાશકારો અનુભવી લીધો હતો. ત્યારે ફરી જસદણમાં જીઆઈડીસીથી બાયપાસ સર્કલ સુધીના રોડમાં ડામર જ ગાયબ થઈ જતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. પરંતુ કોન્ટ્રાક્ટરની મનમાની સામે નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ શા માટે ઘૂંટણીયા ટેકવે છે તે નગરજનોને હજુ સુધી સમજાયું નથી.

હવે તો નગરજનોને એટલી જ ખબર છે કે નવો નક્કોર બનેલો રોડ પણ થોડા સમયમાં જ ખાડા-ખબડાથી શોભતો થઈ ગયો છે. જેથી જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા દ્વારા આ રોડના કોન્ટ્રાક્ટરે આચરેલી બેદરકારી અંગે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ રોડનું કોન્ટ્રાક્ટર પાસે ફરીથી નવિનીકરણ કરાવવામાં આવે તેવી જસદણની જાગૃત જનતાની માંગણી ઉઠવા પામી છે.

રિસરફેસિંગની ગ્રાન્ટમાંથી કરેલો લાખોનો ખર્ચ ગાયબ થઈ ગયો
11 માસ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની હતી. ત્યારે રોડ રિસરફેસિંગ અને મરામતની કામગીરી પાલિકાએ શરૂ કરી હતી અને શહેરના ત્રણ રસ્તાને નવા વાઘા પહેરાવાયા હતા. જેના ગણતરીના દિવસોમાં જ લીરેલીરા થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...