રાહત:જસદણ નગરપાલિકામાંથી અરજદારોને હવે સરળતાથી આવકના દાખલા મળશે

જસદણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે નગરસેવક આવકના દાખલા માટે ઉપયોગી કોરા ફોર્મમાં સહી કરી આપીને ઉપયોગી થઇ રહ્યા છે
  • આવકના દાખલા કઢાવવા બે કોર્પોરેટરની સહી ફરજિયાત કરાતા અરજદારોને હાલાકી ભોગવવી પડતી હતી

જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા કોઈપણ અરજદારોને આવકના દાખલા કઢાવવા માટે ફોર્મની પ્રક્રિયા અમલી કરી હતી. જો કે અરજદારોને આવકનો દાખલો મેળવવા નિયત કરેલા ફોર્મમાં એક કોર્પોરેટરની સહી ફરજિયાત કરાઈ હોવાથી અરજદારોને ફોર્મમાં સહી લેવા કોર્પોરેટરનો સંપર્ક કરવો પડતો હતો. જો કે મોટાભાગના કોર્પોરેટરો પાલિકામાં ફરકતા પણ ન હોવાથી અરજદારોને ભટકવું પડી રહ્યું હતું. જેથી અરજદારોને પડતી હાલાકીને દુર કરવા વોર્ડ નં.5 ના કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા અને વોર્ડ નં.2 ના કોર્પોરેટર બીજલભાઈ ભેસજાળીયા બન્ને આગળ આવ્યા છે.

આ બન્ને કોર્પોરેટરો અરજદારોને આવકનો દાખલો મેળવવા ઉપયોગમાં લેવાતા કોરા ફોર્મમાં સહી કરી આપતા હોવાથી લોકોની હાલાકી ઓછી થઇ હતી. જસદણના નગરજનોને આવકનો દાખલો મેળવવા બે કોર્પોરેટરોની ફોર્મમાં સહી કરાવવી પડતી હતી બાદ જેતે જવાબદારો દ્વારા અરજદારોને આવકનો દાખલો અપાતો હતો. તેના લીધે અરજદારોને આખો દિવસ કોર્પોરેટરોને ગોતવામાં જ જતો હતો.

જેથી કોર્પોરેટરો નરેશભાઈ અને બીજલભાઈ દ્વારા અરજદારોને પડતી મુશ્કેલીઓ દુર કરવા એક કોર્પોરેટરની સહી માન્ય રાખવાની પાલિકામાં રજૂઆત કરતા બેના બદલે એક કોર્પોરેટરની સહી ફોર્મમાં લેવાનો નિર્ણય કરાવ્યો હતો. પરંતુ મોટાભાગના અરજદારોને આવકના દાખલા કઢાવવા એક કોર્પોરેટરની સહી મેળવવામાં પણ મુશ્કેલી ઉભી થતી હોવાથી આ બન્ને કોર્પોરેટરે કોરા ફોર્મમાં સહી કરી આપતા અરજદારોએ હાશકારો અનુભવ્યો હતો.

અરજદારોને મુશ્કેલી નહીં પડે
અરજદારો વારંવાર નગરપાલિકાએ આવીને ફોર્મમાં સહીઓ કરાવવા માટે કોર્પોરેટરને શોધતા હોય છે. પરંતુ અમુક સમયે કોર્પોરેટરો હાજર ન હોવાથી અરજદારોને ભારે મુશ્કેલીઓ પડતી હતી. અમોને પણ આ અંગે અરજદારોની વારંવાર રજૂઆતો આવતી હતી. પહેલા તો બે કોર્પોરેટરની ફોર્મમાં સહીઓ આવતી હતી.

જે અરજદારોની લાગણીને ધ્યાનમાં રાખી બે સહીઓના બદલે માત્ર એક જ કોર્પોરેટરની સહી રાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ એક સહીમાં પણ અરજદારોને અમુક તકલીફો પડતી હોવાથી હું અને બીજલભાઈ ભેસજાળીયા બન્ને ઓફીસમાં રહેલા કોરા ફોર્મમાં સહીઓ કરી આપી અરજદારોને પડતી મુશ્કેલીઓ દુર કરવાના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. -નરેશભાઈ ચોહલિયા, કોર્પોરેટર, જસદણ

અન્ય સમાચારો પણ છે...