જસદણ વિધાનસભા-72 બેઠકની સામાન્ય ચૂંટણી માટે વધુ 6 ઉમેદવારી ફોર્મ ઉપડતા કુલ 46 ફોર્મ ઉપડ્યા હતા. જેને લઈને જસદણ બેઠકના રાજકરણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સાથોસાથ જસદણ બેઠકના કોંગ્રેસ પક્ષના ભોળાભાઈ ભીખાભાઈ ગોહિલ દ્વારા 2 ફોર્મ, અપક્ષ ઉમેદવાર તરીકે દેવરાજભાઈ મશરૂભાઈ મકવાણા, બીએસપીના ઉમેદવાર તરીકે દિનેશભાઈ ખીમજીભાઈ રાઠોડ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તેજસભાઈ ભીખાભાઈ ગાજીપરાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે આગામી સોમવારે ભાજપ પક્ષના ઉમેદવાર કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા સહિતના ઉમેદવારો દ્વારા પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરાશે.
ભાજપના 7 દાવેદારોએ વિધાનસભા બેઠક માટે ટિકિટની માગણી કરી’તી
જસદણ વિધાનસભા-72 મત વિસ્તારની સામાન્ય ચૂંટણી માટે ભાજપ પક્ષમાંથી કોળી સમાજના કુંવરજીભાઈ બાવળીયા, રમાબેન મકવાણા, વલ્લભભાઈ ઝાપડીયા, નાથાભાઈ વાસાણી અને જેન્તીભાઈ સરવૈયાએ તેમજ પાટીદાર સમાજમાંથી ગજેન્દ્રભાઈ રામાણી અને ધીરૂભાઈ રામાણીએ દાવેદારી નોંધાવી હતી. જો કે ભાજપ પક્ષે કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયાની રીપીટ પસંદગી કરતા અન્ય દાવેદારોમાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. જોકે બાવળીયાને ટિકિટ આપી કોળી મતદારોની સાથે પાટીદારોને પણ સાચવી લેવાનો વ્યૂહ અપનાવાયો.
કોંગ્રેસમાંથી 8 દાવેદારોએ ટિકિટ માંગી હતી
કોંગ્રેસ પક્ષમાંથી કોળી સમાજના ભોળાભાઈ ગોહિલ, અવસરભાઈ નાકીયા, રણજીતભાઈ ગોહિલ અને વિનુભાઈ મેણીયાએ તેમજ પાટીદાર સમાજમાંથી ધીરૂભાઈ છાયાણી, ધીરજભાઈ શીંગાળા, વિનુભાઈ ધડુક તથા કાઠી ક્ષત્રીય સમાજમાંથી સુરેશભાઈ ગીડાએ દાવેદારી નોંધાવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ ભોળાભાઇ ગોહિલના નામ પર પક્ષે મહોર મારી હતી. અને અન્ય દાવેદારોની બોલતી બંધ કરી દેવામાં આવી હતી.
જસદણ બેઠકની 2018ની પેટા ચૂંટણી રસપ્રદ બની હતી
જસદણ બેઠકની 2018 ની પેટા ચૂંટણીને હજુ પણ લોકો રસપ્રદ રીતે યાદ કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ જૂન 2018 માં કોંગ્રેસ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી સવારે રાજીનામું આપ્યા બાદ તુંરત જ તેમને ભાજપ સરકારમાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. જેની પેટા ચૂંટણી ડિસેમ્બર 2018 માં યોજાઈ હતી. તે પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાને જીતાડવા વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારના દોઢ ડઝનથી વધારે મંત્રીઓએ અને 20 થી વધારે ભાજપના ધારાસભ્યોએ તથા 8 થી વધારે સંસદ સભ્યોએ જસદણમાં ધામા નાખ્યા હતા.
જ્યારે કોંગ્રેસ પક્ષે કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઈ નાકીયાને જીતાડવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ કોંગ્રેસના 30 થી વધુ ધારાસભ્યોએ જસદણમાં ધામા નાખ્યા હતા. આ ચૂંટણીમાં જસદણના ઈતિહાસમાં પ્રથમ વખત જસદણ વિધાનસભા બેઠકની મતગણતરી પણ જસદણ ખાતે જ યોજાઈ હતી.
18થી19 વર્ષની વયના 6192 યુવાનો પ્રથમ વખત મતદાન કરશે
જસદણ વિધાનસભા બેઠકની 2018 ની પેટા ચૂંટણીમાં 18 વર્ષની વય ધરાવતા કુલ 1662 મતદારો પૈકી 1163 યુવાનો અને 499 યુવતીઓએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. ત્યારે જસદણ બેઠકની 2022 ની સામાન્ય ચૂંટણીમાં 18થી19 વર્ષની વય ધરાવતા 6192 યુવાનો અને યુવતીઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20થી29 વય ધરાવતા 59,328 અને 30થી39 વય ધરાવતા 63,690 મતદારો પણ મતાધિકારનો ઉપયોગ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.