વીંછિયા-બોટાદ હાઈવે ઉપર બે આખલાઓ જોરદાર બાખડ્યાં હતા. જેને લઈ રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. વીંછિયા ગામમાં રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે પરેશાનીઓ વધી ગઈ છે. જેથી રખડતા પશુઓને જે તે જવાબદાર તંત્ર દ્વારા પકડીને પાંજરાપોળમાં મુકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
વીંછિયા-બોટાદ મુખ્ય માર્ગ અને મહોલ્લામાં રખડતા પશુઓએ રીતસર અડિંગો જમાવ્યો છે. જેને કારણે ટ્રાફિકમાં અડચણ સાથે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ત્યારે ભરબપોરે વીંછિયા-બોટાદ હાઈવે પર બે આખલા વચ્ચે જોરદાર યુદ્ધ થયું હતું. જેથી રાહદારીઓ સાથે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બે આખલાએ જાણે સમગ્ર જાહેર માર્ગને બાનમાં લીધો હોય તેમ જોવા મળ્યું હતું.
આ આખલા યુદ્ધના પગલે રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી પડી હતી અને થોડીવાર માટે ટ્રાકિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આખરે થાકીને બન્ને પશુઓ સાઇડમાં ચાલતા થયા ત્યારે લોકોના જીવ હેઠા બેઠા હતા.રખડતા પશુઓને વહેલી તકે તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોક માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.