બિલ્ડર્સને તાકીદ કરાઇ:જસદણમાં મંજૂરી વિના ખડકાઇ રહેલી ઇમારતના બિલ્ડર્સને નોટિસ ફટકારાઇ

જસદણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગેવાનની ફરિયાદના પગલે ચાર દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા બિલ્ડર્સને તાકીદ કરાઇ
  • પાલિકા તંત્ર હરકતમાં આવ્યું ખરું

જસદણના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ સમાત રોડ પર બિલ્ડર્સ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દુકાનોનું બાંધકામ કરાઇ રહ્યું છે, પરંતુ પાલિકાની આ સરકારી જમીનમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી પંચરોજ કામમાં પાલિકા પ્રમુખના સિક્કાનો દુરુપયોગ કરવા સહિતના ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરી તેના આધારે ગેરકાયદેસર બાંધકામ ખડકાતું હોવાની સામાજિક કાર્યકર સુરેશભાઇ છાયાણી દ્વારા પાલિકાને ફરિયાદ કરાઇ હતી.

આ ગેરકાયદેસર બાંધકામ અંગે સામાજિક કાર્યકર પાસે કોર્ટના ચુકાદા સહિતના સરકારી દસ્તાવેજો, જસદણ નગરપાલિકાની જ સરકારી જમીન હોવા સહિતના સચોટ દસ્તાવેજી પુરાવાઓ પણ છે. છતાં આજદિન સુધી નગરપાલિકા તંત્ર દ્વારા બિલ્ડર્સ સામે કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરાતા બિલ્ડર્સે નિયમોની ઐસીતૈસી કરી નગરપાલિકા પાસે આ બાંધકામ કરવાની ઓફલાઈન મંજૂરી લીધા વગર જ ત્રણ માળનું બિલ્ડીંગ ખડકી દેતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

અહેવાલ પ્રકાશિત કરાતા આખરે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું, પાલિકાની મંજૂરી લીધા વિના બિલ્ડીંગ ખડું કરનાર બિલ્ડર્સને નોટિસ ફટકારાતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પાલિકાની જમીનમાં બાંધકામ ઉભું કરવામાં અધિકારીઓ અને પદાધિકારીઓ જ સામેલ છે તેવો આક્ષેપ સુરેશભાઈ છાયાણીએ કર્યો છે અને જણાવ્યું હતું કે છતાં આજદિન સુધી પાલિકાને આ ગેરકાયદેસર ઉભેલું બિલ્ડીંગ કેમ દેખાયું નહી તે સમજાતું નથી. અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર હેઠળ જ આ બાંધકામ કરાયું છે.

નોટિસનો જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે
એ લોકોએ બાંધકામની નગરપાલિકા પાસેથી કોઈ ઓફલાઈન મંજૂરી લીધી નથી. જેથી નગરપાલિકા દ્વારા બિલ્ડર્સને ચાર દિવસમાં બાંધકામની મંજૂરીના આધાર પુરાવાઓ રજૂ કરવા માટેની નોટીસ ફટકારાઈ છે. નોટીસનો જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. > અશ્વિન વ્યાસ, ચીફ ઓફિસર, જસદણ

અન્ય સમાચારો પણ છે...