આગ:જસદણની મુખ્ય બજારમાં કલરની દુકાનમાં મધરાતે ભીષણ આગ

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ફાયર ફાઈટરની ટીમે અઢી કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

જસદણની મેઈન બજારમાં આવેલી અકબરી સ્ટોર નામની દુકાન ધરાવતા મૂર્તુજાભાઈ ભારમલ સંચાલિત કલરની દુકાનમાં ગત ગુરૂવારે મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠતા દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી. જો કે બન્ને ફાયર ફાઈટરની ટીમના પ્રતાપભાઈ સોલંકી, રાજુભાઈ વાળા, અશોકભાઈ ભંડેરી, ભાણાભાઈ, મનોજભાઈ સખિયા સહિતના ઘટના સ્થળે દોડી આવી અઢી કલાક સુધી પાણીનો સતત મારો ચલાવતા અંતે આગ પર કાબુ મેળવ્યો હતો.

આ આગ રાત્રીના સમયે દુકાન બંધ હતી અને આગ અંદરના ભાગે લાગી હોવાથી દુકાનનું શટર બંધ હોય અંદરના ભાગે લાગેલી ભીષણ આગ બુઝાવવા ફાયર ફાઈટર દ્વારા દુકાનની ઉપરનું બોર્ડ તોડી ત્યાંથી ઉપરના ભાગેથી દુકાનમાં પાણીનો મારો ચલાવાયો હતો. છતાં આગ કાબુમાં ન આવતા ટીમે શટરનો નીચેનો ભાગ તોડીને ત્યાંથી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ જેસીબી મંગાવીને આખું શટર તોડવામાં આવ્યું હતું. કલરની દુકાનની અંદર રહેલા કલર માટેના વિવિધ કેમિકલ, ટરપીટાઈન્ટ વગેરેને કારણે ચાલુ આગ દરમિયાન અવારનવાર ધડાકા સાથે બ્લાસ્ટ થયા હતા.

આગ એટલી તીવ્ર બની હતી કે દુકાનના પહેલા માળે પણ આગળ પહોંચી ગઈ હતી અને આ કલરની દુકાનની બાજુની બે દુકાનમાં પણ બીજા માળે આગ પ્રસરી ગઈ હતી. આગ લાગી હતી ત્યારે તેની બાજુની અન્ય બે દુકાનમાં ચાલુ આગે દુકાનમાં રહેલો માલસામાન રાત્રે જ યુદ્ઘના ધોરણે સલામત સ્થળે ફેરવી લેવામાં આવ્યો હતો. બનાવના પગલે મોડી રાત્રે સેવાભાવી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આગ ક્યા કારણોસર લાગી તે તપાસનો વિષય બન્યો હતો. આગમાં કલરની દુકાનમાં કલર બનાવવા તેમજ મિકસ કરવાનું મશીન, કોમ્પ્યુટર, કલર સહિતની અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગ્યાની જાણ થયા બાદ વીજતંત્રે મેઈન બજારમાં વીજ પુરવઠો બંધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...