એકબાજુ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના છેવાડાના માનવી સુધી વીજળીની સુવિધા આપી રહ્યા હોવાની વાતો કરવામાં આવી રહી હતી. ત્યારે રાજકોટ જિલ્લાના છેવાડાના વીંછિયા તાલુકાના છાસીયા ગામની સીમમાં આવેલ હનુમાનગઢ સીમ પ્રાથમિક શાળામાં છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી 150 થી વધારે વિદ્યાર્થીઓ લાઈટના અભાવે અંધારામાં જ શિક્ષણ મેળવી રહ્યા હતા. અત્યારે હાઈફાઈ ટેકનોલોજીનો સમય છે ત્યારે કોમ્પ્યુટર, લેપટોપ કે તેનો ઉપયોગ બાળકો કઈ રીતે શીખશે તે સવાલ થઈ રહ્યો હતો.
આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ અને શાળાના આચાર્ય ભગાભાઈ ઓળકીયા દ્વારા વીંછિયા PGVCL તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં આજદિન સુધી લાઈટની સુવિધા આપવામાં આવી ન હોવાથી શાળાના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી.
આ અહેવાલ ગત તા.14 ના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાતાની સાથે જ વીંછિયા PGVCL તંત્ર હરકતમાં આવ્યું હતું અને શાળાને વીજળી પૂરી પાડવાની તાબડતોબ કામગીરી કરવામાં આવતા શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હવેથી વીંછિયાના છાસીયા સીમશાળાના વિદ્યાર્થીઓ અંજવાળે ભણશે અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે.
લાંબા સમય બાદ બાળકો વર્ગખંડમાં અભ્યાસ કરતા નજરે પડ્યા
વીંછિયાના છાંસીયા ગામની સીમશાળામાં છેલ્લા 6 મહિનાથી વીજળી ન હતી. જેના કારણે શાળામાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓ કાં તો શાળાના ગ્રાઉન્ડમાં અથવા વર્ગખંડમાં બેસીને અંધારે જ શિક્ષણ મેળવી રહ્યા હતા. પરંતુ આ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાયા બાદ વીંછિયા PGVCL તંત્ર સફાળું જાગ્યું હતું.
અને શાળાને તાત્કાલિક વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવતા હવેથી બાળકો શાળાના વર્ગખંડમાં બેસીને ટેકનોલોજીના ઉપયોગ સાથે શિક્ષણ મેળવતા થઈ ગયા છે. આ તકે વીંછિયા કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરા અને શાળાના આચાર્ય ભગાભાઈ ઓળકીયા સહિતનાઓ દ્વારા દિવ્ય ભાસ્કરની પહેલને બીરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.