બોલો... કેવી રીતે ભણીએ?:જસદણની સીમશાળાઓમાં ભણતા 80% વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન નથી, એટલે શિક્ષકો ફળિયામાં શિક્ષણ આપવા મજબૂર!

જસદણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ સહિત રાજ્યભરમાં નવું સત્ર ઓનલાઈન શરૂ કરાયું છે. કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન જ અભ્યાસ કરી રહ્યા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણમાં રસ દાખવી રહ્યા નથી. જ્યારે શિક્ષકો પણ જણાવતા હોય છે કે ઓનલાઈન શિક્ષણમાં બાળક સાથે આઈ કોન્ટેકટ રાખવો મુશ્કેલ છે અને ઓનલાઈન ક્લાસમાં હોમવર્ક ચેક કરી શકાતું નથી, પંથકની પ્રાથમિક શાળાઓ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ અપાય છે તેમાં 40 ટકા વિદ્યાર્થીઓ કે વાલીઓ પાસે સ્માર્ટ ફોન જ નથી.

શિક્ષકો રાતે ભણાવવા મજબૂર
અમુક વાલીઓ પાસે સ્માર્ટ ફોન છે તો તે દિવસ દરમિયાન અન્ય વ્યવસાય, મજુરી કે નોકરી કરતા હોવાથી વિદ્યાર્થીઓને દિવસે ઓનલાઈન શિક્ષણ મળી શકતું નથી. જેના કારણે મોટાભાગના શિક્ષકોને સાંજના 6 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ઓનલાઈન શિક્ષણ ક્લાસ લેવા પડી રહ્યા છે. જો બે-ચાર વિદ્યાર્થીઓને ફોન દેવાના થાય તો શાળા દ્વારા વ્યવસ્થા થઈ શકે. પરંતુ 40 ટકા કરતા વધારે વિદ્યાર્થીઓ હોવાથી ઓનલાઈન શિક્ષણ આપવું મુશ્કેલ બની જાય છે. જેના કારણે શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈ શિક્ષણ પુરુ પાડી રહ્યાછે.

મોરબીના રફાળેશ્વરમાં 407 પૈકી 50 ટકા વિદ્યાર્થી ઓનલાઇન ભણે છે!
મોરબીના રફાળેશ્વર ગામમાં વિદ્યાર્થીઓની સંખ્યા 407 છે. હાલમાં ધોરણ 1 અને 2 માં વૈકલ્પિક શિક્ષણ છે. ધોરણ 3 થી 8 નું ઓનલાઇન શિક્ષણ ચાલુ છે. જેમાં માત્ર 50‌ % જેટલા જ વિદ્યાર્થીઓ ભણે છે. આ માટે મુખ્ય કારણ ગામમાં મજૂરોની સંખ્યા વધુ છે. તેથી કોરોના કાળમાં આ મજૂરો કામની શોધમાં બીજે શિફ્ટ થઈ ગયા છે. અમુક પરિવારોમાં પુરુષો પાસે જ સ્માર્ટફોન હોય છે. જે પુરુષ કામે જતા ઘરે સ્માર્ટફોનના અભાવે ઓનલાઇન શિક્ષણ મેળવી શકાતું નથી. કોઈને ઇન્ટરનેટ ડેટાની સમસ્યા છે.અહીંના રૂપાબેન વર્ધામભાઈ બાવરીએ જણાવ્યું હતું કે મારા પતિ બહારગામ રહે છે. અમારા ઘરે સાદો ફોન છે. મારે પાંચ સંતાનો છે. જેમાંથી એક ભણે છે. પણ ઓનલાઇન એટલે શું એ મને ખબર નથી. પરંતુ અમારા ગામમાં ફળિયા શિક્ષણ ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...