જસદણના લીલાપુર ગામે આવેલ શીવમ જીનીંગ મીલમાં ચાલતી જુગાર ક્લબમાં જસદણ પોલીસે દરોડો પાડી જુગાર રમતા ખાંડા હડમતીયા ગામના સરપંચ સહિત 8 શખ્સને રૂ.2.75 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ પોલીસ મથકના પીઆઈ કે.જે.રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે સાથેના એએસઆઈ ભુરાભાઈને બાતમી મળી હતી કે, જસદણના લીલાપુર ગામથી આગળ આવેલ શીવમ જીનીંગ મીલ નામની ફેકટરીના માલિક રાજકોટના ભરત બટુક બાંભણીયા બહારથી માણસો બોલાવી જુગાર ક્લબ ખોલી જુગાર રમાડે છે.
જેથી જસદણ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ખાંડા હડમતીયાના સરપંચ કેશુ પોપટભાઈ બાવળીયા, શીવમ જીનીંગના માલિક ભરત બટુકભાઈ બાંભણીયા, જનક દડુભાઈ ખાચર, ખોડા આંબાભાઈ દુધરેજીયા, પ્રવિણ ભુસડીયા (રહે-ગુંદાળા,તા-વિંછીયા), જેન્તી રૂપાભાઈ ખોરાણી (રહે-ઓરી,તા-વિંછીયા), જેસીંગ રાણાભાઈ રાઠોડ (રહે-કમળાપુર,તા-જસદણ) અને સંજય પરમારને દબોચી લઈ રોકડ અને મોબાઈલ ફોન-4 મળી કુલ રૂ.2.75 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.
બીજી તરફ આટકોટ પોલીસે વીરનગરમાં જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લીધા હતા અને 1,01,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વીરનગરમાં રહેતા સુરેશભાઈ બસીયાની વાડીએ દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક સુરેશભાઈ બસીયા ઉપરાંત ભાવેશભાઈ રાદડીયા ચંદુભાઈ રોજાસરા જીવાભાઈ ચાવડા ભાયા ડેરૈયાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ, એક બાઈક તથા મોબાઇલ સહિત 1,01,200નો મુદામાલ કબજે લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.