સુવિધા છતાં દુવિધા:ગોડલાધાર સહિત ચાર ગામના 50 વિદ્યાર્થી પાસે પાસ હોવા છતાં બે વર્ષથી એસટી બસની મુસાફરીથી વંચિત

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઇવરની બસ ઊભી ન રાખવાની જીદ અને મનમાનીના લીધે વિદ્યાર્થીઓએ લેવો પડે છે ખાનગી વાહનોનો સહારો

જસદણના ગોડલાધાર સહિત આસપાસના ચાર ગામના 50થી વધુ વિદ્યાર્થીઓ બે વર્ષથી અભ્યાસ માટે એસટી બસના પાસ કઢાવે છે, તેમ છતાં તેમને મુસાફરી તો પૈસા ખર્ચીને ખાનગી વાહનોમાં જ કરવી પડી રહી છે કેમકે બસના ડ્રાયવર કાયમ જીદ કરીને બસ ઉભી રાખતા જ નથી અને હંકારી મૂકતાં હોઇ વિદ્યાર્થીઓ નાછૂટકે જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા છે. આ મુદે ગોડલાધારના પૂર્વ સરપંચ અને ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષે વાહનવ્યવહાર મંત્રી સહિતોને યોગ્ય કરવા રજૂઆત કરી છે.

જસદણ તાલુકાના ગોડલાધાર ગામના પૂર્વ સરપંચ અને રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ અશોકભાઈ એમ.ચાંવ દ્વારા રાજ્યના વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી સહિતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જસદણ તાલુકાના ગોડલાધાર અને માધવીપુર સહિત ચાર ગામના અંદાજે 50 જેટલા વિદ્યાર્થી અભ્યાસ અર્થે જસદણની જુદીજુદી સ્કૂલ અને કોલેજમાં જાય છે. જે તમામ વિદ્યાર્થીઓએ એસ.ટી.બસનો વિદ્યાર્થી પાસ કઢાવ્યો હોવા છતાં છેલ્લા 2 વર્ષથી એસ.ટી.બસની સુવિધા મળતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓને નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે.

જો ખાનગી વાહન પણ ન મળે તો સ્કૂલ અને કોલેજમાં વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી. આ અંગે જસદણ એસ.ટી.ડેપોના જવાબદારોને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનું નિરાકરણ આવતું નથી. વધુમાં ગઢડા(સ્વામીના) ડેપોની બસ સવારે ગઢડા-જામનગર વાયા ગોડલાધાર ચાલે છે. પરંતુ બસના ડ્રાઈવર બસ ઉભી રાખતા ન હોવાથી વિદ્યાર્થીઓ રઝળી પડે છે.

જોકે આ અંગે ગઢડા(સ્વામીના) ડેપો મેનેજરને પણ વાત કરવામાં આવી છે. છતાં હજી સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી આ તમામ વિદ્યાર્થીઓનું એસ.ટી.બસના અભાવે ભવિષ્ય ન બગડે તે માટે તાત્કાલિક જસદણ જવા માટે સવારે 6-30 કલાકે અને પરત બપોરે 1 કલાકે એસ.ટી.બસની સુવિધા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અમે બે વર્ષથી પાસ કઢાવીએ છીએ, બસ મળતી નથી
હું જસદણની કોલેજમાં અભ્યાસ કરું છું. અમે બધા વિદ્યાર્થીઓ એસ.ટી.બસના 2 વર્ષથી હેરાન થઈએ છીએ. જસદણ ડેપોમાં અનેકવાર રજૂઆત કરી છે. છતાં બસની સુવિધા મળી નથી. અમે જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે હાજર અધિકારી કહેતા હતા કે તમે પાસ કઢાવો. જેથી અમે વિદ્યાર્થી પાસ કઢાવ્યા છતાં બસનો લાભ નથી મળતો. જેથી નાછૂટકે ખાનગી વાહનોમાં અપડાઉન કરવું પડી રહ્યું છે. હાલ ગોડલાધાર, ઘેલા સોમનાથ, માધવીપુર અને શિવરાજપુર ગામના 50 વિદ્યાર્થી એસટી બસની સુવિધાના અભાવે હેરાન થઈ રહ્યા છે. અમારી વિદ્યાર્થીઓની માંગણી છે કે વહેલી તકે અમને એસ.ટી.બસની સુવિધા આપવામાં આવે. > રાયધન વનાળીયા, વિદ્યાર્થી,ગોડલાધાર

રજૂઆત મારા ધ્યાને આવી નથી, છતાં તપાસ કરાવું છું
આવી કોઈ રજૂઆત મારા ધ્યાને આવી નથી છતાં હું તપાસ કરાવું છું. જો વિદ્યાર્થીઓને બસની સુવિધા નહી મળતી હોય તો હું સુવિધા આપવાના બનતા પ્રયત્નો કરીશું. હાલ બધા રૂટ જ ચાલુ છે છતાં જો તેમની માંગણી હશે તો તે અમે પૂરી કરી આપીશું. > એલ.ડી.રાઠોડ, ડેપો મેનેજર,જસદણ

અન્ય સમાચારો પણ છે...