વીંછિયા તાલુકાના મોટા હડમતીયા ગામે રવિવારે બપોરે 4 વાગ્યા આસપાસ બે જૂથ વચ્ચે પૈસાની ઉઘરાણી બાબતે બોલાચાલી થયા બાદ 7 શખ્સ ઘાતક હથિયારો સાથે ધસી ગયા હતા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કરતાં ઘડીભર ભયનો માહોલ સર્જાયો હતો. શખ્સોએ કરેલા ફાયરિંગમાં બે રાઉન્ડ હવામાં અને બે રાઉન્ડ મકાનના દરવાજા પર થયા હતા. આ અથડામણમાં બન્ને પક્ષે એક-એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાની વીંછિયા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક મોટા હડમતીયા ગામે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, વીંછિયાના મોટા હડમતીયા ગામે રહેતા છગનભાઈ લીંબાભાઈ વાલાણી(ઉ.વ.32) સાંજના 4 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા. ત્યારે ગામના જ જયરાજભાઈ જગુભાઈ સોનારા, મંગળુભાઈ જગુભાઈ સોનારા, ભગીરથભાઈ મંગળુભાઈ સોનારા, હરેશભાઈ જગુભાઈ સોનારા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સ ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. બાદમાં છગનભાઈને કોઈ પૈસા આપ્યા ન હોવા છતાં મને પૈસા વાપરવા દે નહિતર તારી જમીન વાવવા નહી દઈએ તેવી ઉઘરાણી કરી ધાકધમકી આપી છગનભાઈના મકાન પાસે બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યા હતા.
બાદમાં છગનભાઈના કાકા અરજણભાઈ સુખાભાઈ વાલાણીના મકાનના દરવાજા પર બે રાઉન્ડ ફાયરિંગ કરી હાહાકાર મચાવી દીધો હતો. બાદમાં બન્ને પક્ષે ઉગ્ર બોલાચાલી થતા બન્ને પક્ષે ધારિયા જેવા ઘાતક હથીયારો સાથે મારામારી થઈ પડી હતી. જે મારામારીમાં છગનભાઈ વાલાણીને શરીરે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વીંછિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામાપક્ષે જયરાજભાઈ સોનારાને પણ પગમાં ગંભીર ઈજા પહોંચતા પ્રથમ વીંછિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવના પગલે મોટા હડમતિયા ગામમાં ભારે તંગદીલી છવાઈ ગઈ હતી. આ બનાવમાં વીંછિયા પોલીસે હુમલામાં ઘવાયેલા બન્ને ઈજાગ્રસ્તોની ફરિયાદ લેવા સહિતની તજવીજ હાથ ધરી હતી. જો કે આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા બન્ને વ્યક્તિઓની વીંછિયા પોલીસ દ્વારા વિધિવત ફરિયાદ લેવાયા બાદ જ અને આગળની તપાસ હાથ ધરાશે અને ત્યાર બાદ જ બનાવનું સાચું કારણ બહાર આવશે. હાલ આ બનાવની વધુ તપાસ વીંછિયા પીએસઆઈ આર.કે.ચાવડા ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.