કરૂણાંતિકા:જસદણ પાસે ચેકડેમમાં 4 મિત્રો નહાવા પડ્યા, મોટાભાઇ સામે નાનો ભાઇ ડૂબ્યો

જસદણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પિતાએ વાડીએ જવા કહ્યું હતું, ભાદરના વહેતા જળ જોઇ મન લલચાયું
  • ફાયરના​​​​​​​ જવાનોએ ચાર કલાક પાણી ડહોળ્યા બાદ મૃતદેહ હાથ લાગ્યો

જસદણમાં ગોખલાણા રોડ પરથી પસાર થતી આડી ભાદર નદીમાં બે સગા ભાઈ અને તેના બે મિત્ર નહાવા માટે પડ્યા હતા. જેમાં બન્ને ભાઈ પૈકી નાનો ભાઈ નહાતાં નહાતાં ઉંડા પાણી તરફ જતો રહ્યો હતો અને પરત ન આવી શકતાં ડૂબી ગયો હતો, નાનો ભાઇ ડૂબતો હોવાની જાણ થતાં અન્ય ત્રણેએ તેને બચાવવાના બનતા પ્રયાસો કર્યા હતા. પરંતુ ભાઇ હાથ ન લાગતા તાત્કાલિક પિતાને જાણ કરી હતી અને તેઓએ જસદણ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. જેથી ફાયરના જવાનોએ 4 કલાક સુધી યુવાનની શોધખોળ કર્યા બાદ અંતે યુવાનનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.

બાદમાં મૃતદેહને 108 ની મદદથી જસદણની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો.વીરનગર ગામનો અને હાલ જસદણના સ્વામીનારાયણ નગર-2માં રહેતો તેમજ આટકોટની કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતો યશ પ્રવિણભાઈ શેખલીયા(ઉ.વ.18), તેનો મોટોભાઈ મેહુલ અને તેના બે મિત્રો ધાર્મિક તથા પ્રકાશ બાબરાના વાવડા ગામે આવેલી યશની વાડીએ જતા હતા. ત્યારે ગોખલાણા રોડ પરથી પસાર થતી આડી ભાદર નદીના ચેકડેમમાં ન્હાવાની ઈચ્છા જાગતા ચારેય ન્હાવા માટે પડ્યા હતા.

ત્યારે અચાનક યશ ડૂબવા લાગતા ત્યાં હાજર તેનો મોટોભાઈ અને તેના બે મિત્રો બુમાબુમ કરવા લાગ્યા હતા અને પરિવારજનોને જાણ કરી હતી. ઘટનાના પગલે ફાયરના જવાનોએ 4 કલાકની જહેમત બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક યુવાન બે ભાઈઓમાં નાનો હતો અને તેના પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક યુવાનના મિત્ર ધાર્મિકે રડતી આંખે જણાવ્યું હતું કે, અમે ચારેય યુવાનો યશની વાડીએ જતા હતા, અને પાણી જોઇ નહાવા પડ્યા, અમને ક્યાં ખબર હતી કે હવે યશ નહીં રહે!

અન્ય સમાચારો પણ છે...