જસદણના આટકોટ ખાતે નવનિર્માણ પામેલી પટેલ સેવા સમાજ આટકોટ દ્વારા સંચાલિત 200 બેડની કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું તા.29મીએ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. જેને લઈને વહીવટી તંત્ર અને હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ સહિતના આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે જસદણમાં કાળાસર ગામના પાટીયા પાસે ગુજરાત વિકાસ રેલી અંતર્ગત 2017 માં પીએમ મોદી ચૂંટણીની સભા ગજવવા માટે આવ્યા હતા. જસદણના ઈતિહાસમાં સૌ-પ્રથમવાર દેશના વડાપ્રધાન જસદણ આવ્યા હોવાથી શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
બીજી તરફ આગામી તા. 29ના રોજ જસદણના આટકોટ ખાતે નવનિર્માણ પામેલ કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું મોદીના હસ્તે લોકાર્પણ કરાશે અને ત્યારબાદ તેઓ સભા સંબોધશે. આ સભા હોસ્પિટલની સામેના ગ્રાઉન્ડ ખાતે જ યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સભા સ્થળની બગલમાં જ નવા ત્રણ હેલીપેડ પી.એમ. માટે તૈયાર કરાશે અને હેલીપેડ પર મોદી ઉતરાણ કરશે.
હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરા સહિતનાઓ દ્વારા તેમનું સન્માન કરાશે. ત્યારબાદ મોદી ઉપસ્થિત શ્રોતાજનોને ઉદ્દબોધન કરશે. મોદી વડાપ્રધાન બન્યા બાદ બીજીવાર જસદણ આવી રહ્યા હોવાથી હોસ્પિટલની સામેના વિશાળ મેદાનને સાફસૂફ કરવામાં આવી રહ્યું છે. સભા સ્થળે મોદીની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાશે અને મોદીનું ભાષણ સાંભળવા આવેલા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે પાણીથી લઈ આરોગ્ય સુધીની દરેક સવલત મેદાન પાસે ઊભી કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.