તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર:જામકંડોરણામાં ૯૦ વર્ષની વૃદ્ધાને આરોગ્યકર્મીઓની સમયસૂચકતાને કારણે મળ્યું નવજીવન

જામકંડોરણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાભુબેન વસોયા - Divya Bhaskar
લાભુબેન વસોયા
  • ધન્વંતરી રથને કારણે આજે હું કોરોના મુક્ત બની સ્વસ્થ છું: લાભુબેન વસોયા

માનવીનું જીવન ઓક્સિજન વિના શક્ય નથી. જો મગજ અને હ્રદયને સતત ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન મળે તો માણસનું મૃત્યુ થવાની સંભાવના રહેલી છે. હાલ કોરોનાનાં સંક્રમણમાં આવતા દર્દીઓમાં મોટા ભાગે શરીરમાં ઓક્સિજનનું લેવલ ઓછું જોવા મળે છે. આવો જ એક કિસ્સો જામકંડોરણા તાલુકાના રાયડી ગામમાં બન્યો. જ્યાં ગત તા.16 જુલાઈના રોજ એક પરિવારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાયડીના હેલ્થ વર્કરો ગામમાં પોઝિટિવ કેસના પરિવારજનોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવા પહોંચી ગયા હતા.

તેઓ કોરોનાનું નામ સાંભળતા ભયભીત થઈ ગયા હતા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પરિવારના મોભી ૯૦ વર્ષીય લાભુબેન વસોયાનું ઓક્સિજન લેવલ ઓછું છે. પરંતુ વયોવૃદ્ધ લાભુબેન પથારીવશ જ રહેતા હતા અને હાઈપર ટેન્શનની બીમારીને કારણે તેઓ કોરોનાનું નામ સાંભળતા ભયભીત થઈ ગયા હતા. એ જ કારણથી લાભુબેન અને તેમનો પરીવાર ટેસ્ટ માટે તૈયાર ન હતો. પરંતુ ડો.શ્રધ્ધા દેસાણી અને ડૉ.કરણ અમલ દ્વારા તેમના પરિવારને કોરોના સામે લડવા માનસિક હૂંફ આપવામાં આવી અને લાભુબેનને ટેસ્ટ માટે સમજાવ્યા.

19 જુલાઈના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ
એ વિશે વાત કરતા ડો.શ્રધ્ધા દેસાણી જણાવે છે કે," લાભુબેનનું વૃદ્ધત્વ અને ઓક્સિજન લેવલનું ઓછું પ્રમાણ આ બન્ને પરિબળને કારણે તેમનું જીવન સંકટમાં હતું. માટે અમે લાભુબેનને સમજાવ્યું કે જો તેઓ સમયસર સારવાર નહિ મેળવે તો તેમની સાથે અન્ય પરિવારજનોનું જીવન પણ સંકટમાં મુકાશે. અંતે લાભુબેન ટેસ્ટ કરાવવા તૈયાર થયા. ત્યારબાદ અમારા સાથી આરોગ્યકર્મીઓ ડો.રાધિકા પઢીયાર અને ડૉ.દાનસિંહ ડોડીયા તથા અન્ય બે આરોગ્યકર્મીઓ દ્વારા લાભુબેનને જામકંડોરણા સી.એચ.સી. ખાતે ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા. જ્યાં 19 જુલાઈના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા."

ધન્વંતરી રથને કારણે જ આજે હું કોરોના મુક્ત બની સ્વસ્થ છું
રાજકોટ સિવિલમાં ડોકટરો દ્વારા નિયમીત અપાતા પોષણયુક્ત આહાર,આયુર્વેદિક ઉકાળા, દવા અને સુયોગ્ય સારવારને પરિણામે લાભુબેન તા.30 જુલાઈના રોજ સ્વસ્થ થઈને પોતાને ઘેર પરત ફર્યા. હાલ કોરોના મુક્ત થતા લાભુબેને સહપરિવાર ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે,"ધન્વંતરી રથને કારણે જ આજે હું કોરોના મુક્ત બની સ્વસ્થ છું." આમ, જામકંડોરણામાં કાર્યરત ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓની પ્રતિબદ્ધતા અને સમયસૂચકતાને કારણે લાભુબેન કોરોના મુક્ત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...