એકના મોત બાદ તંત્ર જાગ્યું!:ગોંડલના કોલીથડ ગામ પાસે નદીના પુલ પર રાતો-રાત રેલિંગ ફિટ કરવાની કામગીરી હાથ ધરાઈ

ગોંડલ3 મહિનો પહેલા

મોરબી બાદ ગોંડલમાં તંત્રની બેદરકારીએ વધુ એક મોતની ઘટના સામે આવી હતી. જેમાં ગોંડલ તાલુકાના કોલીથડ ગામ પાસે નદીના પુલ પરથી બાઈક સવાર ખાબકતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કારણ કે આ આખા પુલમાં બન્ને બાજુ દીવાલ નહોતી. આ મામલે દિવ્ય ભાસ્કરે તંત્રની આંખ ખોલવા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જે બાદ રાત્રીના રેલિંગનો તમામ માલ સામાન આવી ગયો હતો અને વહેલી સવારે રેલિંગ ફિટ કરવાનું કામ ચાલુ કર્યુ હતું.

પુલ પરથી નીચે ખાબકતા આધેડનું મોત
કોલીથડ ગામ પાસે આવેલ આશરે 15 ફૂટ પહોંળાઈનો આ પુલ રાજાશાહી વખતનો છે. 2021માં કોલીથડમાં પાણી આવ્યું ત્યારે પુલ ધરાશશી થયો હતો, ત્યારથી પુલ પર રેલિંગ કે દીવાલ નથી. જેના કારણે અવારનવાર અકસ્માત થતા હતા. ત્યારે ગઈકાલે એક દુર્ઘટના બનવા પામી હતી જેમાં 53 વર્ષીય કાવઠીયા બિપિનભાઈ ગોકળભાઈ ખેતી કામ કરી બાઈક લઈને ઘરે જઈ રહ્યાં હતા. તે દરમિયાન પુલ પરથી 30 ફૂટ નીચે ખાબક્તાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મૃતક ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં એક છોકરો અને એક છોકરી છે. ઘરના આધાર સ્થંભનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

તંત્ર રાતો-રાત કામે લાગ્યું
આ દુર્ઘટના પાછળ તંત્રની મોટી બેદરકારી સામે આવી હતી. જેમાં નદીના પુલની બન્ને સાઈડમાં કોઈ પણ પ્રકારની રેલિંગ કે આડશ નહોંતી જેથી બાઈક સવાર 30 ફૂટ નીચે ખાબક્યો હતો. અને બાઈક સવારનું મોત થયું હતું. એકનો ભોગ લીધા બાદ આખરે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું અને રાતો-રાત રેલિંગનો બનાવવાની કામગીરી હાથ ધરી હતી. પણ સવાલ એ થાય છે કે, તંત્રને લોકોના મોત બાદ જ પોતાની જવાબદારી યાદ આવે છે?

અન્ય સમાચારો પણ છે...