અકસ્માત:ગોંડલના આશાપુરા બ્રિજમાં વગર વરસાદે ભરાયેલા પાણીમાં શેવાળ થતાં ઊંઝા-જૂનાગઢ રૂટની ST બસને નડ્યો અકસ્માત

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ તે પૂલ કે લપસણી? | ઉંદરના દર સમા બનાવાયેલા આ બ્રિજમાં આ રીતે સર્જાતા અકસ્માતોની પરંપરા, 6 ડિસેમ્બરે પણ આ જ રીતે બસ ટકરાઇ હતી

ગોંડલમાં રેલવે અને પાલિકાના અધિકારીઓ અને તંત્રની બુદ્ધિના પ્રદર્શન સમા “ઉંદરના દર” જેવા આશાપુરા અંડરબ્રિજમાં છાશવારે અકસ્માતો સર્જાયા કરતા હોય પરોઢિયે ઊંઝા જામનગર રૂટની એસટી બસ ધડાકાભેર અંડરબ્રિજની દીવાલ સાથે અથડાતા મુસાફરો હતપ્રભ બની ગયા હતા. સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી. આ અગાઉ પણ થોડા સમય પહેલાં એક અેસટી બસ આ જ રીતે દિવાલ સાથે ટકરાઇ પડી હતી અને સરકારી મિલકતને નુકસાન થયું હતું. આવા અનેક અકસ્માતોની પરંપરા છતાં હજુ સુધી સંબંધિત તંત્રને આ બાબતની ગંભીરતા સમજાતી નથી.

ગોંડલ નગરપાલિકા તંત્ર અને રેલવે તંત્રના સંયુક્ત ઉપક્રમે આશરે ત્રણ કરોડથી પણ વધારાના ખર્ચે ગોંડલના આશાપુરા ફાટક પાસે પ્રજા ઉપર “ઉંદરના દર” જેવો અંડરબ્રિજ થોપી બેસાડવામાં આવ્યો હોય, રોજિંદાં નાના-મોટા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે શુક્રવારના વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ઊંઝા જૂનાગઢની GJ18Z 3229 બસ અંડરબ્રિજની દિવાલ સાથે અથડાતા આ સર્જાયેલા અકસ્માતમાં મુસાફરોને સામાન્ય ઇજા થઇ હતી પરંતુ ગભરાયેલા મુસાફરોની ચિચિયારીઓ બ્રિજમાં ગુંજી ઉઠી હતી.

મુસાફરોને તો બેવડી યાતના
કોઈ ધંગધડા વગરનાં આશાપુરા અંડરબ્રિજમાં સતત પાણી ભરાયેલા રહેતા હોય મોટાભાગની એસટી બસો બાયપાસ દોડી રહી છે અથવા તો અન્ય રૂટથી ગોંડલ શહેરમાં પ્રવેશી રહી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. બહારગામથી આવતા એસટી બસના અજાણ્યા ડ્રાઇવરો મોટાભાગે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આથી મુસાફરોને તો બેવડી યાતના ભોગવવી પડી રહી છે. અમુક બસ શહેરમાં આવતી જ ન હોવાથી લોકોએ ફરજિયાત સ્ટેન્ડ સુધી નાણાં ખર્ચીને ધક્કો ખાવો પડી રહ્યો છે. ઉંદરના દર સમા આશાપુરા અંડરબ્રિજ બાબતે સ્થાનિક નેતાગીરી નું પેટનું પાણી પણ હલતું ન હોય લોકોમાં આશાપુરા અંડરબ્રિજ અને બુરી તેના પર ઓવરબ્રિજ કરવાની માંગ શરૂ થવા પામી છે.

અંડરબ્રિજની દીવાલ પર રેડિયમ પટ્ટી લગાવી શકાય
આશાપુરા અંડરબ્રિજમાં હાલના તબક્કે દિવાલો ઉપર રેડિયમ પટ્ટી લગાવી શકાય જેના થકી અજાણ્યા ડ્રાઇવરનું રાત્રિના સમયે કે પરોઢિયે ત્યાં ધ્યાન ખેંચાઈ જાય. જે જરૂરી પણ છે. રેલવે વિભાગ દ્વારા પાણી નિકાલનું કામ વ્યવસ્થિત કરાયું નથી, બ્રિજની અંદર પાણીની સાથે માટી અને ગારો પણ ભેગો થતો હોય, માત્ર પાણી ખેંચવાની મોટરના બદલે મડ પમ્પની આવશ્યકતા છે. જો આ બન્ને વસ્તુ પ્રથમ તબક્કે વસાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો અકસ્માતો રોકી શકાય તેમ છે. આટલો ખર્ચ કર્યા પછી હવે ઓવરબ્રિજ બનાવવાની વિચારણાને બદલે આ માર્ગ અપનાવી શકાય તેવા છે. - પ્રતિક કોટેચા, પાલિકા ઇજનેર, ગોંડલ

અન્ય સમાચારો પણ છે...