ગોંડલ તાલુકાના ગોમટા ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિકો સોમવાર સાંજના સુમારે ત્રીપલ સવારી બાઈકમાં પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ગોમટા નવાગામ રોડ પર પુલના ખાડામાં ખાબકતાં ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં ગોંડલ સિવિલ હોસ્પિટલે ખાતે સારવાર દરમ્યાન એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા 2 ને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી રહ્યાં હતા. ત્યારે તેમાંથી એક આધેડે રસ્તામાં દમ તોડી દીધો હતો.
પુલના ખાડામાં બાઈક સવારો ખાબકયા, 2 ના મોત
પ્રાપ્ત વિગતો મુજબ ગોમટા રહેતા અને છૂટક મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા પરપ્રાંતિય દેવા સોમા વાસકલ (ઉંમર વર્ષ 45 ) અને તેનો પુત્ર વિપુલ( ઉંમર વર્ષ 23) તેમજ જીગા મોતી તાદડ (ઉંમર વર્ષ 50) સોમવાર સાંજના 7:00 વાગ્યાના સુમારે ગોમટા નવાગામ રોડ પર પસાર થઈ રહ્યાં હતા. ત્યારે પુલના ખાડામાં બાઈક ખાબકતાં ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દેવાભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે વિપુલ અને જીગાભાઈને ગંભીર ઈજા હોવાથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જીગાભાઈએ પણ દમ તોડી દીધો હતો.
વધુ સારવાર અર્થે દર્દીને રીફર કરતા સમયે ગોંડલમાં એક પણ એમ્બ્યુલન્સ હાજર નહીં
અકસ્માતની જાણ થતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશ માધડ ઘાયલોની મદદે દોડી આવ્યા હતા. આ તકે સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ તેમજ નગરપાલિકાની એમ્બ્યુલન્સ હાજર ન હોય ઘાયલોને રાજકોટ રિફર કરવામાં સમય વીતી ગયો હતો. અકસ્માતની ઘટના અંગેની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.