14 જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિનો દિવસ. સવારથી જ પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ ઠંડા પવનનો સારો સાથ રહ્યો છે. ત્યારે અલગ અલગ પ્રકારની રંગબેરંગી પતંગની સાથે ડીજે, પીપૂડાના અવાજ, અવનવા કાર્ટૂનના ફેસ સાથે સવારથી જ વાતાવરણ રોમાંચક બની ગયું છે. ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ચીકી, શેરડી, ઝીંજરા સાથે લોકોએ પતંગ ઉત્સવની અનોખી મજા માણી.
અમદાવાદથી ગોંડલમાં પતંગની મોજ માણવા પહોંચ્યા
પતંગ રસિયાઓ ધાબા પર પતંગ ઉડાવવા માટે પહોંચી ચુક્યા છે. અમદાવાદથી મિત્રો અને પરિવારજનો પતંગ ઉડાવવા ગોંડલ શહેરમાં આવી પહોંચ્યા છે. નાના બાળકો, યુવાનો, મહિલાઓ, વૃધ્ધો પરિવાર સાથે વહેલી સવારથી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. ધાબા પર મ્યુઝિક સિસ્ટમોના તાલ સાથે ઝૂમી ઉઠ્યા છે અને આકાશ પતંગોથી છવાયેલું જોવા મળી રહ્યું છે. ઉત્તરાયણના પર્વ પર ખાસ અમદાવાદથી પરિવાર સાથે ગોંડલ સંબંધીના ઘરે આવેલા પાર્થ તળાવીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને લઈને લોકો તહેવાર માણી નહોતા શક્યા પરંતુ આ વર્ષે લોકોમાં ઉત્તરાયણના તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઢીલ દે, કાઇપો છેના નારા લાગ્યા
ગોંડલમાં આજે આકાશમાં પતંગ દાવપેચથી છવાઈ ગયું છે. પતંગ રસીયાઓ એકબીજાના પતંગના પેચ લડાવી તથા પતંગ કાપીને પૂરા ઉત્સાહ સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવી રહ્યાં છે. સવારથી જ કાઈપો છે, ઢીલ દેદે રે ભૈયા, લપેટની ચિચયારી થી ધાબા ગુંજી રહ્યા છે. ડીજે અને સ્પીકરના સહારે ગીતો સાથે અગાસીઓ પર ડાન્સ અને રાસ ગરબાની રમઝટ પણ જોવા મળી રહી છે. લોકો અવનવા વસ્ત્રો પરિધાન કરી ગોગલ્સ અને હેટ પહેરીને અગાસી પર પહોંચી ગયેલા જોવા મળ્યા છે.
ગોંડલ નગરપાલિકાના પ્રમુખે યુવાનો સાથે પતંગ ચગાવી
ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ભાવના પ્રવીણભાઈ રૈયાણીએ પરિવારજનો અને યુવાનો સાથે પતંગ ચગાવી અને પરિવારજનો સાથે ઉંધીયાની મોજ માણી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.