ગોંડલ પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ શિવરાજગઢ અને ગુંદાળામાં બંધ મકાનમાં ત્રાટકી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.29 લાખના મત્તાની ચોરી કરી નાસી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ અંગે ફરિયાદી ભીમજી પુંજાભાઇ મકવાણા (ઉ.વ.55) (રહે.શિવરાજગઢ,ગોંડલ) એ જણાવ્યું હતું કે, તે છુટક મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને પરીવારમા પત્ની ભાનુબેન અને એક પુત્ર-પુત્રી છે. ગઇ તા.16 ના વહેલી સવારના તેના પત્ની તથા પુત્રી લોધિકાના માખાવડ ગામે કારખાનામાં કામે ગયા હતાં. તેમજ પુત્ર નોકરી પર ગયો હતો. તે ગામમાં મજૂરીકામે ગયેલા હતાં. જ્યાંથી તે પરત ઘર ફરતાં ડેલી અંદરથી બંધ હતી. જેથી દીવાલ ઠેકી અંદર જોઈ તપાસ કરતાં દરવાજાનો લોક તૂટેલો હતો અને ઘરનો માલસામાન વેરવિખેર પડ્યો હતો. કબાટમાં તપાસ કરતાં તેમાં રાખેલા સોનાની વીંટી 3 ,બુટી નંગ 1 મળી કુલ રૂ.60 હજાર અને થેલીમાં રાખેલા રોકડા રૂ.30 હજારની કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં ફરિયાદી શૈલેષ ધીરૂભાઇ રંગપરા (રહે, ગુંદાળા,ગોંડલ) એ જણાવ્યું હતું કે, તે ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ પરિવારમાં પત્ની પાયલબેન તથા એક પુત્ર-પુત્રી છે. ગઇ તા.31 ના સવારના ફરિયાદીનો પુત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કામે જવા નીકળેલ તથા પોતે તેની પત્ની અને પુત્રી સાથે ખેતરે કામે ઘરે તાળું મારી નીકળ્યા હતા. સાંજના ઘરે પરત ફર્યા તો ઘરની ડેલી ખૂલેલ નહીં જેથી તેમના પુત્રએ દિવાલ ઠેકી અંદર જઈ દરવાજો ખોલેલ તેઓએ મકાનમાં જઈ તપાસ કરતા ઘરનો માલસામાન વેરવિખેર પડેલ હતો અને કબાટનો લોક તૂટેલ હતો. જેમાં રાખેલા સોનાની બુટી જોડી 3 રૂ.30,000, ચાંદીના સાંકળા નંગ બે રૂ. 2000, ચાંદીનો જુડો રૂ.500 તથા રોકડ રૂ.6000 મળી રૂ.39,000નો મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. બનાવની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે અજાણ્યાં તસ્કરો વિરૂદ્ધ ગુનોનોંધી શોધખોળ આદરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.