સામાન્ય પરિવારમાંથી આવતા અને ખુબ મહેનત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી સરકારી નોકરીનું સ્વપ્ન જોઇ પિતાને મજૂરીકામ છોડાવી દેવાના મનસુબા સાથે મહેતન કરતા યુવકને જ્યારે ચોમેરથી નિરાશા સાંપડી અને પરીક્ષામાં ધારી સફળતા ન મળતાં યુવક હિંમત હારી ગયો હતો અને બેકારીથી કંટાળી ફાંસો ખાઇ મોત માગી લીધું હતું. બનાવની કરૂણતા એ હતી કે યુવાને ચાર પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં હૃદયદ્રાવક રીતે ઉલ્લેખ કર્યો હતો કે મારે પિતાને મજૂરીકામ છોડાવી દેવું હતું, પરંતુ એ શક્ય ન બન્યું, આઇ એમ સોરી લખી યુવકે મોતની સોડ તાણી લીધી.
આ બનાવ ઉપરાંત પંથકમાં આપઘાતના વધુ બે બનાવ બન્યા હતા અને 20 દિવસમાં 9 આપઘાતના કેસ સામે આવ્યા હતા. ગોંડલ પંથકમાં મોવિયા, કમરકોટડા અને સડકપિપળીયામાં આપઘાતના બનાવો નોંધાયા હતા. કમર કોટડામાં રહેતો જયેશ જીવરાજભાઇ સરવૈયા ઉ.૨૨ ઘરે એકલો હતો ત્યારે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.જયેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સરકારી નોકરી માટે પ્રયત્ન કર્યા હતા.પરંતુ સફળતા નહી મળતા નિરાશ બની આત્મહત્યા કરી હતી.
જ્યારે અન્ય બનાવમાં મોવિયા રહેતા હસમુખભાઈ ત્રીકમભાઇ જાદવ ઉ.૫૦ એ રાત્રીના સુમારે ઘરના ફળીમા આવેલી પાણીની ટાંકીમાં પડી આત્મહત્યા કરી હતી. હસમુખભાઈની માતા ગોંડલ ભક્તિ હોસ્પિટલમા રાતપાળીમાં કામ કરતા હોય આજે સવારે નોકરી પતાવીને ઘરે પહોંચ્યા ત્યારે પુત્રને પાણીના ટાંકામાં ઉંધે માથે પડેલો જોઈ હતપ્રભ બની ગયા હતા.બાદમાં હસમુખભાઈ ના મૃતદેહને બહાર કાઢી ગોંડલ સિવિલમાં ખસેડાયો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર મૃતકને દસ વર્ષ પહેલા પાડોશી સાથે ઝગડો થતાં મારામારીમા માથામા ગંભીર ઇજાથી પેરેલીસીસ થયું હતુ.તેના પિતાએ વરસો પહેલા ઘર છોડી દીધુ હોઇ માતા પુત્ર એકલા રહેતા હતા. જ્યારે અન્ય બનાવમાં સડક પિપળીયામાં પરીવાર સાથે રહેતા ચંપાબેન સવાભાઇ પારઘીએ દવા પી લેતા ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા મોત નિપજ્યું હતુ.ચંપાબેનને સંતાન માં બે દિકરા એક દિકરી છે.પરિવાર મજૂરીકામ કરી જીવન નિર્વાહ કરે છે. ચંપાબેન બીમાર રહેતા હોય કંટાળીને પગલુ ભર્યાનુ પરિજનોએ જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.