ગોંડલમાં યુવાનોમાં આપઘાતનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક યુવાને વેરી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો. શહેર પંથકમાં છેલ્લા 15 દિવસમાં ગળાફાંસો, ઝેરી દવા તેમજ તળાવમાં પડી આપઘાત કરી લેવાની ઘટના બની રહી હોય વાલી વર્તુળમાં ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. ગોંડલ શહેરના જેતપુર રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલ મોહનનગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનું કામ કરતા ખુશાલ પરબતભાઈ નાકરાણી (ઉંમર વર્ષ 25) એ કોઈ અગમ્ય કારણોસર સોમવારના સાંજે વેરી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લેતા સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ કેરડીયા સહિતનાઓએ સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી. વેરી તળાવના પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હોવાની શંકા
ખુશાલ નાકરાણીના આપઘાતના પગલે સરકારી દવાખાના ખાતે બહોળી સંખ્યામાં તેના સગા વહાલાઓ મિત્ર મંડળો એકઠા થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસથી ખુશાલ આર્થિક સંકળામણ અનુભવી રહ્યો હતો અને તેને આપઘાત કરતા પહેલા પત્ની અને મિત્રો જોડે મોબાઈલ ફોનમાં વાત પણ કરી હતી. એક બે મિત્રોને એવો પણ ફોન કર્યો હતો કે વેરી તળાવે તેનું બાઈક બંધ પડી ગયું છે, તેને મદદની જરૂર છે. તેથી એક બે મિત્રો વેરી તળાવે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં માત્ર બાઈક અને મોબાઈલ જ પડ્યા હતા અને મિત્રોને કંઈક અજુગતું થયું હોવાનો ભાસ થતાં અન્ય મિત્રો સગા વહાલાઓ અને પોલીસ ને જાણ કરી હતી. ખુશાલ નાકરાણીના લગ્ન અઢી મહિના પહેલા જ થયા હતા. તે બે ભાઈ અને બે બહેનના પરિવારમાં ઘરના આધાર સ્તંભ સમાન મોટા હતા અને બે બહેનોને સાસરે પણ વળાવી આપી છે ત્યારે અકાળે ખુશાલે જીવનનો અંત આણી લેતા પરિવાર શોકમગ્ન બની જવા પામ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.