છેલ્લા ઘણા સમયથી હની ટ્રેપના બનાવો છાશવારે પ્રકાશમાં આવી રહ્યા છે. તેમ છતાં રંગીનમિજાજી યુવકો યુવતીઓએ બિછાવેલી જાળમાં ફસાઇ જાય છે. આવો જ એક બનાવ ગોંડલના વડિયાના સૂર્યપ્રતાપગઢ ગામના એક અપરણિત ખેડુત યુવાન સાથે બન્યો હોવાનું ખુલ્યું છે. સૂર્યપ્રતાપગઢના આ ખેડૂતને ગોંડલની એક યુવતીએ લગ્નની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવી સોનાનો ચેઈન પડાવી લીધાની ઘટના પોલીસ મથકે નોંધાઇ હતી. હની ટ્રેપના આ કેસમાં ભોગ બનનાર યુવાને યુવતિ સહિત પાંચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
સુર્યપ્રતાપગઢના રોહિત પરવાડિયાને ગત 3 ડિસેમ્બરના સવારે 9 વાગ્યે નિધી બ્રાહ્મણ નામની યુવતીનો મોબાઈલ પર ફોન આવ્યો હતો, તેણી લગ્ન બાબતે મળવા માંગતી હોવાનું જણાવ્યું હતું. યુવતીની જાળમાં ફસાયેલો યુવાન કાર લઈને આપેલા સરનામે, ગુંદાળાની ચોકડી પાસે પહોંચી ગયો હતો, યુવતીએ મોઢું ઢાંકવા બુકાની બાંધી હતી, જીન્સ પહેરીને ઊભી હતી.
મળવા આવેલા યુવાન સાથે યુવતી કારમાં બેસી ગઇ અને થોડે આગળ જતા જ બાઈક પર સવાર બે શખ્સે તેઓને અટકાવીને ધમકી આપી હતી, એ દરમિયાન ત્યાં એક બીજો અજાણ્યો બાઇકચાલક આવી પહોંચ્યો હતો અને પોતાનું નામ બાપુ જણાવ્યું હતું, અજાણ્યા ચાલકે વાતને પતાવી દેવા કહ્યું હતું.
આ સમગ્ર બનાવ પૂર્વ આયોજિત હોય તેમ યુવકના જ ગામનો ધવલ ઠક્કર પણ ત્યાંથી પસાર થતા તે પણ ત્યાં ઉભો રહી ગયો હતો. યુવતિ સાથે રહેલા ત્રણેય શખ્સોએ સમાધાન માટે કાર અને ગળામાં પહેરેલ ચેન આપી દેવાની માંગણી કરી હતી. રોકડ અઢી લાખ આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ ખેડુત યુવાન પાસે રોકડ રકમ ન હોવાથી ન આપે ત્યાં સુધી ગળામાં પહેરેલો ચેઈન લઈ પલાયન થઈ ગયા હતા.
આટલે ન અટકતા બાદમાં તેના જ ગામના ધવલ ઠક્કરે પીડિત યુવકને ફોન કરી જણાવ્યું હતું કે, રૂપિયાનો મેળ નહીં થાય તો નિધિ તેને ખોટા કેસમાં ફીટ કરી દેશે અને તેનો ભાઇ માર મારશે અને બદનામ કરશે. આ રીતે કાવતરૂ પૂર્વ આયોજીત અને તમામ સંડોવાયેલા હોય તેમ જણાઇ રહ્યું હતું. ભોગ બનનાર યુવક પાસે અઢી લાખ ન હોવાથી અને બદનામ કરવાની ધમકીથી થાકી યુવકે આખરે પોલીસનો સહારો લીધો હતો અને વડિયા પોલીસ મથકમાં પાંચેય કાવતરાખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. હની ટ્રેપના આ કેસમાં પોલીસ ફરીયાદના આધારે તપાસ ચલાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.