સૌરાષ્ટ્રમાં દીવાળી બાદ સૌથી મોટો તહેવાર મકરસંક્રાંતિ ગણાય છે અને આબાલ વૃધ્ધ સહુ જ આ પર્વની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હોય છે. હવે તો સંક્રાંતિને ગણતરીના કલાકો જ બાકી છે, છતાં હજુ સુધી બજારમાં ચહલપહલ જોવા મળતી નથી તેવો વસવસો ગોંડલના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આ વખતે પતંગ, દોરી વગેરે પણ ગત વર્ષની સરખામણીમાં 30 થી 35 ટકા સુધી મોંઘા બની ગયા છે.
રૂ. 50 માં મળતા પતંગો આ સાલ 70 થી 80 માં મળી રહ્યા છે આથી ગોંડલની બજારોમાં કોઇ ખરીદદારો દેખાતા નથી અને વેપારીઓ લેવાલીની રાહમાં છે. આ વર્ષે પતંગ તેમજ દોરાની અવનવી અને વૈવિદ્યપૂર્ણ અનેક વેરાઇટી બજારમાં આવી પહોંચી છે અને ઘરાકીની રાહ જોવાઇ રહી છે. પતંગ સહિતના બાળકોના પ્રિય સાધનોમાં ભાવવધારો જોવાયો છે.
ખંભાતના પતંગ મોંઘા
પતંગો મુખ્યત્વે ખંભાત, અમદાવાદ, નડિયાદ, રાજકોટથી આવતી હોય છે. અનેક સાઈઝ અને અવનવી ડિઝાઈનની વેરાયટી આવી છે. આઈ લવ ઇન્ડિયા, 2023, ટાઈગર, હેપ્પી ન્યુ યર લખેલાં લખાણવાળી પતંગો તેમજ બાળકો માટે કાર્ટૂન, છોટાભીમ, બાર્બીડોલ જેવી પતંગો ફેવરિટ બની છે ત્યારે ખાસ કરીને ખંભાતથી આવતી પતંગ લોકોને ગમે છે. - સાગર ભુવા, વ્યાપારી, ગોંડલ
સુરતની દોરીની ધૂમ માંગ
પતંગ દોરાનું પીઠું ગણાતા સુરતથી આવતો સુરતી માંજો લોકોનો પ્રિય હોય છે અને તેમાં 50 થી વધુ વેરાયટીઓ આવે છે તેમજ બરેલી થી પણ દોરાની વિપુલ આવક જોવા મળે છે દોરીમાં એક ઇંચથી શરૂ કરી 10 હજાર વાર દોરીની ફિરકી પણ બજાર માં ઉપલબ્ધ છે પતંગ ની સાથે સાથે દોરીના ભાવમાં 30 ટકા જેટલો વધારો થયો છે ગયા વર્ષે 530માં મળતી રિલના ભાવ થયા 700 રૂપિયા એ પહોંચ્યો છે. - કમલેશભાઇ ચૌહાણ , વ્યાપારી
7 ફૂટની પતંગો આકાશ આંબશે
અવનવી વેરાઇટીની પતંગોમાં પણ 50 થી 60 જેટલી નાની મોટી વેરાયટીઓ આવે છે. કાપડની 1 ફુટથી લઇ 7 ફુટ સુધીની પતંગો આવી છે. આ વખતે સંદેશાઓ આપતી પતંગો આવી છે. સાથે સાથે દોરી, બ્યુન્ગલ અને માસ્ક - ગોગલ્સ - બાળકો માટે એસેસરીઝ માં પણ વેરાઈટી ઓ આવી છે. બસ હવે તો લેવાલી નીકળે તો સારું.- વલ્લભભાઇ ભુવા, વ્યાપારી,
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.