પોસ્ટ ઓફિસના મિત્રો મને માફ કરજો!:કર્મચારીએ દવા પીધા પહેલાં કહ્યું- મેં રાત-દિવસ પોસ્ટ ખાતાની સેવા કરી છતાં મારું રાજીનામું રોકતાં મેં આ પગલું ભર્યું

ગોંડલ19 દિવસ પહેલા

ગોંડલમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ જાતે રૂપિયાની ઉચાપત કરી હોવાનું એક વીડિયો બનાવીને કબૂલ્યું. આ વીડિયોમાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ પોતાના અંતિમ રૂદન ભર્યાં અવાજે કહ્યું કે, આજે હું ભોગ બની રહ્યો છું અને બધાને ગુડ બાય કહી રહ્યો છું. મારા પુત્ર સમાન પોસ્ટ કર્મચારીઓને કોઈ પણ રીતે હેરાન કરવામાં ન આવે અને તેઓ મને માફ કરે...

વીડિયો રેકોર્ડિંગ કરી પોતાનું નિવેદન નોંધ્યું
ગોંડલ પટેલ કોલોનીમાં રહેતા પરસોત્તમભાઈ અરજણભાઈ ભાલાળા ઉર્ફે પીયૂષભાઈ ભાલાળા લોધિકા તાલુકાની મોટી મેંગણી ગામે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હતા. જેમણે સોમવારે સવારે 8.30 વાગ્યે પોસ્ટઓફિસની ઓફિસમાં વીડિયો રેકોર્ડિંગ કરી પોતાનું નિવેદન નોંધ્યું હતું. અને ત્યારબાદ દવા પીધાની જાણ સહ કર્મચારીએ પરસોત્તમ ભાઈના પુત્રને ફોન દ્વારા કરી હતી. બાદમાં સારવાર અર્થે ગોંડલ ડૉ. પિયુષ સુખવાલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમ્યાન મોત નીપજતાં મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આગળની વધુ તપાસ લોધિકા પોલીસે હાથ ધરી હતી.

દવા પીધા પહેલા વીડિયો બનાવ્યો
પરસોત્તમભાઈ ઉર્ફે પીયૂષભાઈ ભાલાળાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, હું પરસોત્તમભાઈ અર્જુનભાઈ ભાલાળા ઉર્ફે પીયૂષભાઈ ભાલાળા આજે મારું નિવેદન આપું છું કે, મેં મારા યુઝર આઈડીથી પોસ્ટમાં કોઈપણ ભુલ કરી હોય તો તેના માટે પોસ્ટ ઓફિસના કોઈ પણ જવાબદાર નથી. મેં મારી રીતે બધુ કરેલું છે અને એ પૈસા મેં દાન પુન, ગરીબોને, ગાયુંને અને વૃદ્ધાશ્રમમાં આ પૈસા આપી દીધા છે. મેં એક પણ રૂપિયો મારા ઘરે આપ્યો નથી. મારો નીરવ મારા ભાઈઓ પાસેથી વધારેમાં વધારે જમીન આપી. એ જમીન વહેંચીને મારા છોકરાને ધંધામાં આપેલા પૈસા છે એને ધન્યવાદ છે. મારી પુત્ર વધુને પણ ધન્યવાદ છે, એણે એના દાગીના વહેંચીને મારા છોકરાને ધંધામાં પૈસા આપેલા છે. મારા મિસિસ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતાં હોવા છતાં તેને રીટાયર્ડ થઈ એક એક રૂપિયો મારા છોકરાના ધંધામાં વાપરેલો છે.

મારુ ખોટા સાક્ષી આપી અને રાજીનામું અટકાવ્યું
આજે મારો નીરવ જે કાંઈ પણ ધંધો કરી રહ્યો છે. તે તેની મહેનતથી અને મારા કુટુંબના સહયોગથી કરી રહ્યો છે. મેં એકપણ રૂપિયો પોસ્ટ ઓફિસનો પગાર સિવાય ઘરે આપ્યો નથી જેની નોંધ લેવી. આ મારા યૂઝર આઈડીથી કઈ પણ ભૂલ થઈ હોય તો, તેના માટે પોસ્ટનો કોઈપણ કર્મચારી જવાબદાર નથી. હું અને હું માત્ર જવાબદાર છું અને મેં રાત-દિવસ પોસ્ટ ખાતાની સેવા કરેલી છે છતાં મારુ રાજીનામું પાસ કરવામાં નહોતું આવ્યું. મારે મારા સાળાના ગોટાળાના પૈસા ભરવાના હોવા છતાં મારુ ખોટા સાક્ષી આપી અને રાજીનામું અટકાવ્યું હતું. જેને લઈને મેં આ પગલાં ભર્યાં છે.

મારા પુત્ર સમાનને હેરાન ન કરવામાં આવે
આ યુટીલિટી એસપીની જનરેટ થતી હોવા છતાં ચડે એવું છીંડું શા માટે ખુલ્લું રાખવામાં આવ્યું?. હું પોસ્ટ ખાતાને રિકવેસ્ટ કરું છું આ છીંડાનો ઉપયોગ કરી પોસ્ટ ખાતાના ઘણા કર્મચારી આ રીતે ભોગ બનશે. આજે હું ભોગ બની રહ્યો છું અને બધાને ગુડ બાય કહી રહ્યો છું. જય હિન્દ જય ભારતને જય પોસ્ટ પરિવાર. મારા પુત્ર સમાન પોસ્ટ કર્મચારીઓને કોઈ પણ રીતે હેરાન કરવામાં ન આવે અને તેઓ મને માફ કરે એવી હું જગ જાહેર આ વીડિયોથી જાણ કરું છું. જય હિન્દ જય ભારત.

અન્ય સમાચારો પણ છે...