સાસરિયાંનો ત્રાસ:ગોંડલમાં પ્રેમલગ્ન કરનાર 20 વર્ષીય પરિણીતાનું શંકાસ્પદ મોત, પરિવારજનોએ કહ્યું, ન્યાય નહીં મળે ત્યારે સુધી દીકરીનો મૃતદેહ નહીં સ્વીકારીએ

ગોંડલ2 મહિનો પહેલા
  • સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો
  • પોલીસ પરિવારજનોને સમજાવવા દોડી ગઈ હતી અને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો

ગોંડલમાં પ્રેમલગ્ન કરનાર રાજકોટની 20 વર્ષીય પરિણીતાનું શંકાસ્પદ મોત થયું છે. સાસરિયાઓએ બેફામ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધાનો પિયર પક્ષે આક્ષેપ કર્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે બપોરે મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. જેને પગલે પોલીસ પરિવારજનોને સમજાવવા દોડી ગઈ હતી અને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો.

પરિવારજનો દ્વારા પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે
પરિવારજનો દ્વારા પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે

લગ્નના 15-20 દિવસ બાદથી જ સાસરિયાંનો ત્રાસ શરૂ
જાણવા મળતી વિગત અનુસાર, રાજકોટની સિંધી યુવતી ભાવિકા અશોકભાઈ શર્મા(ઉ.વ.20) ના લગ્ન 3 મહિના અગાઉ આહીર યુવાન ચિરાગ સંજય બલદાનિયા સાથે થયા હતા. આ લગ્નના 15-20 દિવસ બાદ સાસરિયાં પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ દિયર દ્વારા પણ રિલેશનશિપ રાખવા અંગે દબાણ અપાતું હોવાનો આરોપ લગાવાયો છે. આ અંગેની જાણ પરિણીતાએ તેના માતાને પણ કરી હતી. ગઈકાલે રાતે પણ પરિણીતાને અતિશય માર મારતા તેનું મૃત્યુ થયા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ આ મામલાને ગોંડલ પોલીસ છાવરતી હોય તેવા પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.

સિવિલની બહાર પરિવાજનોની ભીડ
સિવિલની બહાર પરિવાજનોની ભીડ

દીકરીને ન્યાય નહીં મળે ત્યારે સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ
પરિવારજનો આજે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલે યુવતિનો મૃતદેહ લઇને પહોંચ્યા હતા. સિંધી પરિવારજનો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી દીકરીને ન્યાય નહીં મળે ત્યારે સુધી અમે તેનો મૃતદેહ નહીં સ્વીકારીએ. જોકે હાલ તો પરિવારજનો દ્વારા પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે કે આખરે યુવતિનું મોત ક્યાં કારણોસર થયું છે.

અન્ય સમાચારો પણ છે...