ગોંડલના ભગવતપરા ખાતે આવેલી સરકારી કુમાર શાળા 5 અનાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. આ વેળાએ શાળાના આચાર્ય અશોકભાઈ શેખડાએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતાં ગુરુદક્ષિણા માગી હતી અને વાત વાતમાં એકલવ્ય, ગુરુ દ્રોણ અને અર્જુનની વાત સમજાવી હતી ,અને જણાવ્યું કે એકલવ્યએ જે રીતે શ્વાનના મોંમાં તીર ખોંસીને તેનું ભોંકવાનું બંધ તો કર્યું અને શ્વાનને ઇજા ન થવા દીધી.
આ જોઇ અર્જુન તો દિગ્મૂઢ બની ગયો અને તેણે આ તીરંદાજના ગુરુનું નામ જાણવાની ઉત્કંઠા વ્યક્ત કરી ત્યારે એકલવ્યએ ગુરુ દ્રોણને જ ગુરુ માનીને તેમની પ્રતિમાને નજરમાં રાખીને ધનુર્વિદ્યા શીખી હોવાનું જણાવતાં ગુરુ દ્રોણે અેકલવ્ય પાસેથી દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો, જેથી તેની આ કળાનો અન્ય ખોટી રીતે ઉપયોગ ન થાય અને એકલવ્યએ અંગુઠો કાપીને ધરી દેવામાં વિલંબ પણ ન કર્યો.
આ વાર્તા થકી વિદ્યાર્થીઓને આચાર્ય શેખડાએ ગુરુદક્ષિણાનું મહત્વ સમજાવી શાળામાંથી વિદાય લઈ રહેલા ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ પાસે પણ અંગુઠાની માંગ કરી હતી અને કહ્યું હતું કે મારે પણ તમારો અંગૂઠો જોઈએ છે.
તમારામાંથી કોઇ પણનો અંગુઠો તમાકુ કે વ્યસનને ચોળવામાં ઉપયોગ થવો ન જોઈએ, જે માંગ સાંભળતા જ દરેક વિદ્યાર્થીઓએ અંગુઠા સાથે આંગળીઓ આપવાની હા પાડી હતી અને વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિના શપથ લીધા હતા, એટલું જ નહીં કોઇએ જીવનમાં ક્યારેય સિગારેટ કે અન્ય વ્યસનની નજીક પણ ન જવાના સોગંદ લીધા હતા. આ તકે વિદ્યાર્થીઓ એ કેક કાપી વિદાયની ઉજવણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.