રાજકોટ:ગોંડલ ગૌરક્ષકોના સમર્થનમાં સ્વયંભૂ બંધ

ગોંડલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલની તમામ બજારો સ્વયંભૂ શાંતિ પૂર્ણ બંધ રહી
  • પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

હિંદુ ઉત્સવ સમિતિ સહિતના નામી અનામી સંસ્થાઓ દ્વારા ગૌરક્ષકો વિરુદ્ધ ખોટી રીતે પોલીસ ફરિયાદ નોંધવા ઘટના બાદ અપાયેલ બંધના એલાનને જબરો પ્રતિસાદ મળવા પામ્યો હતો શહેરની બજારો સ્વયંભૂ બંધ રહી હતી માર્કેટિંગ યાર્ડ પણ બંધ રહેવા પામ્યું હતું.

સવારથી જ ગોંડલ સજ્જડ બંધ રહેવા પામ્યું હતું
પ્રાપ્ત વિગતો મુજબ ગત શનિવારના રાત્રે કતલખાને લઇ જવાતા પશુધનના મુદ્દે બે જૂથ વચ્ચે થયેલી અથડામણની ઘટનામાં પોલીસતંત્ર દ્વારા બે જૂથ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા હિંદુ ઉત્સવ સમિતિ સહિત હિન્દુ સંગઠનો દ્વારા અપાયેલ બંધના એલાનને જબરુ સમર્થન મળ્યું હોય તેમ સવારથી જ ગોંડલ સજ્જડ બંધ રહેવા પામ્યું હતું. માંડવી ચોક, નાની-મોટી બજાર, જેલચોક, ગુંદાળા રોડ, બસ સ્ટેન્ડ રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા શાકમાર્કેટ તેમજ માર્કેટિંગ યાર્ડ પણ બંધમાં જોડાયા હતા. બંધ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ પીઆઇ રામાનુજ, એલસીબી પીઆઇ રાણા તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જળવાયો હોય બંધ શાંતિપૂર્ણ રહેવા પામ્યું હતું. 

અમૂક લોકોની અટક કરી કાર્યવાહી હાથ ધરી
જૂથ અથડામણની ઘટનામાં પોલીસ દ્વારા હિન્દૂ ઉત્સવ સમિતિ પ્રમુખ અને ગૌસેવક ગોપાલભાઈ ટોળીયા, ગોરધનભાઇ પરડવા, વિજયભાઈ જાદવ, પૃથ્વીભાઈ જોશી તેમજ દેવાંગભાઈ જોશી સહિતનાઓની પોલીસે અટક કરી જામીન મુક્ત કર્યા હતા. ગતરાત્રીના પોલીસ કોમ્બિનગ દરમ્યાન ગાયત્રીનગરના એક મકાન ઉપર દરોડો પાડી જાહેરનામાનો ભંગ કરી એકઠા થયેલા હિરેન ઠુમર, ભાવિક ખૂંટ, નવનીત જેઠવા, સુનીલ પરમાર, શ્યામલ દોન્ગા, જીતુ મેઘાણી, આશિષ ગોંડલીયા, હાર્દિક પટેલ, અશ્વિન સોરઠિયા, ભરત ઠુંમરની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અસામાજિક પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે : જિલ્લા પોલીસ વડા
ગોંડલમાં સવારે પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ જણાવ્યું હતું કે ગોંડલમાં સાફ સફાઈની થોડી જરૂરિયાત છે, ત્યારે કોઈ વ્યક્તિ કે અન્ય ગેંગ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરવામાં આવતી હશે, તો તે હરગીઝ સાંખી લેવામાં આવશે નહીં, દારૂ જુગાર સહિત લુખ્ખાગીરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગોંડલ ઐતિહાસિક શહેર છે, તેની ગરિમા જળવાય તે જ રીતે કાયદો અને વ્યવસ્થા પણ જળવાશે. શહેરના કોઈપણ વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ અંગે કોઈપણ જાગૃત વ્યક્તિ મને અંગત રીતે જાણ કરી શકે છે. મને મળેલી કેટલીક ફરિયાદો અને રજુઆત અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...