થોડા સમય પહેલા જ ગોંડલની બેઠક પરથી બે બે વખત ચૂંટાયેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહજી ભાવુભાનું દુ:ખદ અવસાન થયેલું હતું. જેમણે સ્થાપેલા શ્રી મહીરાજ બજરંગબલી ટ્રસ્ટ રીબડા દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વ. મહિપતસિંહજી ભાવુભા જાડેજાના સ્મરણાર્થે વૃધ્ધ વડીલોને નિ:શુલ્ક યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. સ્વ. મહિપતસિંહજીના પુત્ર અનિરૂધ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા દ્વારા ગોંડલના વૃદ્ધાશ્રમના વૃધ્ધો તેમજ બ્રહ્મ સમાજની વિધવા મહિલાઓ અને રીબડાના ગરીબ વડીલોને ગંગા સ્નાન હરિદ્વાર, નાથદ્વારા, શ્રીનાથજી સહિતના અનેક ધાર્મિક સ્થળોની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
17 દિવસની ધાર્મિક યાત્રા કરાવવામાં આવશે
રીબડાથી હરિદ્વાર સહિતના ધાર્મિક સ્થળોની 17 દિવસની યાત્રાની બે બસોના વૃધ્ધોને ભોજન પ્રસાદ, શ્રી મહીરાજ બજરંગ મંદિર રીબડામાં આરતી, ધાર્મિક વિધિ સાથે યાત્રાળુઓનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યાત્રાના મુખ્ય આયોજન અને દાતા અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા તેમજ તેમના જાડેજા પરિવારના સભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ યાત્રાળુઓને શ્રીફળ વધેરીને ઢોલ, નગારા, ફટાકડા ફોડીને પ્રસ્થાન કર્યા હતા. આ પ્રસંગે ગોંડલ બ્રહ્મ સમાજ દ્વારા પણ અનિરૂધ્ધસિંહ જાડેજા તેમજ તેમના પરિવારજનોનું ફૂલહાર પહેરાવીને સન્માન કર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.