ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન:ગોંડલના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મૂર્તિનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય, સમાજ ભવનમાં ગણેશજીનું સ્થાપના કરાશે

ગોંડલ20 દિવસ પહેલા

ગોંડલ તાલુકા શહેર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પાંચ દિવસનું સૌ પ્રથમ વાર ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણેશજીની મૂર્તિનું વિસર્જન નહીં કરવામાં આવે પણ ગણેશજીની મૂર્તિ રાજપૂત સમાજ ભવન ખાતે સ્થાપના કરી દેવામાં આવશે. આ નિર્ણયને સૌ લોકોએ આવકાર્યો હતો.

ગોંડલ રાજવી પરિવારના નેક નામદાર મહારાજા સાહેબ હિમાંશુસિંહજી જાડેજા અને નેક નામદાર રાજકુમાર સાહેબ જ્યોર્તિમયસિંહજી જાડેજાએ ગણેશ મહોત્સવમાં આરતીમાં લાભ લીધો હતો. શાસ્ત્રી નિખિલ અદા અને જીતેન્દ્ર અદા દ્વારા વિશિષ્ટ મહાપૂજા કરાવવામાં આવી હતી અને સૌ લોકોને મોદકના લાડુનો પ્રસાદ પણ મહારાજા સાહેબ તથા રાજકુમાર સાહેબ તરફથી આપવામાં આવ્યો હતો. ગણેશ પંડાલમાં રજવાડી થિમ્સ મુજબ મોતીના ભરતકામનો શણગાર કરવામાં આવ્યો હતો. સાથે સાથે ગોંડલ સ્ટેટનું ચિન્હ પણ રાખવામાં આવ્યું હતું.

ગણેશ ઉત્સવનું પ્રથમ વખત રાજપૂત સમાજના ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહારાજની મૂર્તિ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાનેથી રાજપૂત સમાજ ભવન ખાતે મ્યુઝિક બેન્ડ સાથે સ્થાપના કરવામાં આવી. ગણેશ ઉત્સવ દરમિયાન અલગ અલગ મહાનુભાવોના હસ્તે સાંજે 7ઃ30 કલાકે આરતી કરવામાં આવી હતી. આ તકે રાજપૂત સમાજના વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો તથા અન્ય સર્વ સમાજના પદાધિકારીઓ સાથે ધારાસભ્ય, યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, ક્ષત્રિય અગ્રણી અનિરુદ્ધસિંહ એમ.જાડેજા રિબડા, રાજદીપસિંહ એ.જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...