આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ:ગોંડલ વિધાનસભા બેઠકનો 1962થી 2017 સુધીનો રાજકીય ઇતિહાસ; ઘણા હોદ્દેદારો મોટા ગુનાઓમાં સંડોવાયેલા

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી 2022 વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક પર રાજકીય પક્ષોએ કયા મતદારો અને કયું ગણિત ભારે પડી જશે કે પછી કઈ બાબતે ફાયદો થશે તેનો ક્યાસ કાઢવાનું શરૂ કરી દીધું છે. આંકડા મુજબ ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ 2,28,438 મતદારો છે. જેમાં 1,18,218 પુરુષ અને 1,10, 212 મહિલા મતદારો છે. આ મતદારોમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ છે. 100%માંથી કોળી 5%, લેઉવા પટેલ 40%, દલિત 10%, લધુમતી 10%, કડવા પટેલ 5%, ક્ષત્રીય 10% અને અન્ય 20% છે.

ગોંડલ વિધાનસભા બેઠકના સંવેદનશીલ બુથ મથકો
સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ સંવેદનશીલ બુથ મથકો ગોંડલ વિધાનસભા બેઠકમાં છે. 2017ની ચૂંટણી સમયે ચૂંટણી અધિકારી દ્વારા વિધાનસભા બેઠકના 235 મતદાન મથકો પૈકી 44 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ મતદાન મથકોમાં મુંગા વાવડી, રીબડા, પીપળીયા, સિંધાવદર, ભૂણાવા, પતીયાળી, બેટાવડ, લુણીવાવ, નાગડકા, ત્રાકુડા, ડેયા, વાછરા, ખાંડાધાર, ગુંદાળા, ઘોઘાવદર, મોવિયા સહિતના બુથનો સમાવેશ થાય છે.

બેઠકના આગેવાનો અને ગુનાહિત ઇતિહાસ
ગોંડલ વિધાનસભા બેઠકની ચુંટણીને હાઈપ્રોફાઈલ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રના એનક લોકો ગોંડલની ચુંટણીમાં રસ ધરાવે છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ખાસ કરીને આ ગોંડલ બેઠકના આગેવાનો અને ધારાસભ્યોનો ગુનાહિત ઇતિહાસ તેની પાછળ જવાબદાર છે. ગોંડલ વિધાનસભાનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે. 15 ઓગસ્ટ 1988માં ધ્વજવંદનના કાર્યક્રમ વખતે પોપટ સોરઠીયાની હત્યા થઈ હતી. જેમની બાજુમાં રાજકોટના જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પણ બેઠા હતા, ત્યારે પોઈન્ટ બ્લેંક ગોળી મારવામાં આવી હતી. તેઓ ગોંડલમાં ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે કોંગ્રેસથી ચૂંટાયા હતા. તેઓ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પણ હતા. તેમજ અગાઉના ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયા મોટા ગુનાઓમાં સંકળાયેલા છે.

ગોંડલનો ભવ્ય વારસો
ગોંડલનો ઉલ્લેખ આઈન-એ-અકબરી અને સોરઠ (સૌરાષ્ટ્ર)માં વાઘેલા રાજ્ય તરીકે મીરાટ-એ-અહમદી જેવા ગ્રંથોમાં છે. કાઠિયાવાડ એજન્સીમાં ગોંડલ રાજ્યની સ્થાપના જાડેજા વંશના ઠાકોર કુંભોજી પ્રથમ મેરામણજી દ્વારા 1634માં કરવામાં આવી હતી. જેમને તેમના પિતા મેરામણજી પાસેથી અરડોઇ અને અન્ય ગામો મળ્યા હતા. કુંભોકીના ચોથા વંશજ કુંભોજીએ ધોરાજી, ઉપલેટા અને સારા જેવા પરગણાઓ હસ્તગત કરીને રાજ્યનું કદ વધાર્યું હતું. સર ભગવતસિંહજીએ 1888થી 1944 સુધી શાસન કર્યું હતું.

ગોંડલ જીનિંગ મીલ અને ઓઈલ મિલનું હબ
ગોંડલના મહારાજા ભગવતસિંહજીની શિક્ષણપ્રિય અને વિકાસલક્ષી વિચારસરણીને કારણે માત્ર ગોંડલમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમની કીર્તિ ફેલાઈ હતી. કરવેરા સુધારણા, મહિલાઓને ફરજિયાત શિક્ષણ માટે અને તે સમયે પરદાહની પ્રથા બંધ કરવા માટે જાણીતા હતા. 1901માં ગોંડલ શહેરની વસ્તી 19,592 હતી અને વિરમગામ-રાજકોટ અને રાજકોટ-સોમનાથ લાઇન પર રાજકોટ અને જેતલસર વચ્ચેની શાખા લાઇન પર સ્ટોપ હતી. સર ભગવંતસિંહજીના શાસનકાળમાં અનેક વિકાસકામો થયા હતા. ગોંડલ એન્જીનિયરિંગ સીટી તરીકે પ્રખ્યાત હતું, હવે ગોંડલ જીનિંગ મીલ અને ઓઈલ મિલનું હબ છે.

કેશુભાઈ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડેલા
વર્ષ 1980ની ચુંટણીમાં ગોંડલ વિધાનસભા સીટ પરથી કેશુભાઈ પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતાં, જેમાં તેઓ મોટા માર્જિનથી વિજયી થયા હતા. વર્ષ 1990થી આ વિધાનસભા સીટ પર ભાજપનો દબદબો છે. જોકે વર્ષ 2007માં એનસીપીના ઉમેદવાર ચંદુભાઈ વઘાસિયા આ સીટ પરથી વિજેતા થયા હતા.

વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 ગીતાબા જાડેજા-ભાજપ
2012 જયરાજસિંહ જાડેજા-ભાજપ
2007 ચંદુભાઈ વઘાસિયા-એનસીપી
2002 જયરાજસિંહ જાડેજા-ભાજપ
1998 જયરાજસિંહ જાડેજા-ભાજપ
1995 મહિપતસિંહ જાડેજા-સ્વતંત્ર
1990 મહિપતસિંહ જાડેજા-સ્વતંત્ર
1985 પોપટભાઈ સોરઠિયા-કોંગ્રેસ
1980 કેશુભાઈ પટેલ-ભાજપ
1975 પોપટભાઈ સોરઠિયા-કેએલપી
1972 લકુઆભાઈ સોરઠિયા-કોંગ્રેસ
1967 બી.એચ.પટેલ-કોંગ્રેસ
1962 વજુભાઈ શાહ-કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...