કર્મચારીઓની લાલિયાવાડી:ગોંડલ પંથકના ખેડૂતોને અેવરેજ વીજબિલ પકડાવી આગામી મહિનામાં ધરાર ખોટા બિલ ભરવા પડે તેવો PGVCLનો કારસો

ગોંડલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને 60 થી 70 યુનિટના વપરાશનો અંદાજ, તો પણ વીજ કર્મીઓઅે 30 યુનિટનું બિલ પકડાવ્યું
  • ખરેખર મીટર ચેક કરાશે અને બીલ આવશે ત્યારે અમારે ખુલાસા કરવાના અને આર્થિક બોજ પણ સહેવાનો? ખેડૂતોનો ધગધગતો આક્રોશ

ધોમધખતા તાપમાં ખેડૂતો કપરી મહેનત કરી પોતાની ખેતપેદાશો ઉભી કરી રહ્યા છે, ત્યારે પીજીવીસીએલના કેટલાક કર્મચારીઓએ ધોમધખતા તાપમાં ખેડૂતોના ખેતરોમાં જઈ મીટર રીડીંગ કર્યા વગર જ એવરેજ વીજબીલ જનરેટ કરી નાખ્યા છે ત્યારે ખેડૂતોમાં એવો ઉહાપોહ સર્જાયો છે કે અત્યારે અમને સરેરાશ 30 યુનિટનું બીલ પકડાવી દેવાયું છે

અને જ્યારે ખરેખર મીટર રીડિંગ કરવામાં આવશે ત્યારે અમારો વીજ વપરાશ વધુ દેખાશે અને પેનલ્ટી પણ અમને લગાવાશે, ખોટા બીલ ભર્યાના ખુલાસા પણ કરવા પડશે અને બાદમાં આર્થિક બોજ પણ અમારે જ સહેવાનોને? પીજીવીસીએલના કર્મચારીઓની લાલિયાવાડીનો અમારે શું કામ ભોગ બનવાનું? ગોંડલના અમુક ખેડૂતોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે પિયતની સીઝનમાં વીજ વપરાશ વધતો જ હોય, તેના બદલે અમને 30 જ યુનિટના બીલ આપ્યા છે.

શહેરના ગંજીવાડા રોડ પર વાડી ખેતર ધરાવતા વિનુભાઈ છગનભાઈ રૈયાણી, વલ્લભભાઈ મોહનભાઈ માલવિયા, પ્રવીણભાઈ છગનભાઈ રૈયાણી, જમુનાબેન ઠુંમર, પરેશભાઈ ગોરધનભાઈ પાનસુરીયા, રાજુભાઈ ગોરધનભાઈ પાનસુરીયા સહિતના ખેડૂતોને કંટોલિયા ફીડરમાંથી વીજ કનેક્શન પુરુ પાડવામાં આવે છે. પીજીવીસીએલના કર્મચારીઓએ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન કામ કરી ખેડૂતોના ખેતરમાં મીટર રીડીંગ જોયા વગર જ વીજ બીલ જનરેટ કરી દેતા ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાવા પામ્યો છે, અને આવું અનેકવાર થતું હોવાના પણ આક્ષેપો થયા છે. એક તરફ ખેડૂતો ખુદ સ્વીકારે છે કે હાલની સિઝનમાં વપરાશ વધે તે સ્વાભાવક છે, પરંતુ તંત્રની ખોરી નીતિનો ખોટી રીતે ભોગ બનવું પડે તે તો કેમ ચલાવી લેવાય?

આવતા મહિને બિલ વધારે આવશે તે જવાબદારી કોની?
ખેડૂતોએ જણાવ્યું હતું કે ઉનાળુ પિયતનો સમય ચાલી રહ્યો છે, સમયસર પાવર પણ મળી રહ્યો નથી. છતાં આશરે 60 યુનિટ જેવો પાવર વપરાયો છે, જ્યારે કર્મીઓએ સ્થળ ચકાસણી કર્યા વગર જ માત્ર 30 યુનિટના વીજબીલ જનરેટ કરી નાખ્યા છે આવું કરવાથી આવતા મહિને આવનાર બીલમાં તોતિંગ વધારો થઈ જશે જે બિલ ખેડૂતોને ભરવું મુશ્કેલ બશે. તેની જવાબદારી કોણ સ્વીકારશે?

સરકાર 60 પૈસામાં વીજળી આપે છે, છતાં બિલ બને છે રૂ.6ના!
ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે સરકાર દ્વારા માત્ર 60 પૈસામાં જ એક યુનિટ વીજળી આપી રહી છે. વાસ્તવમાં વીજબિલ ચકાસવામાં આવે તો રૂ.6 લેખે બિલ બનાવવામાં આવી રહ્યા છે. અને તેમાં પણ જો બે 4 મહિનાના સાથે બીલ આવે તો કેટલા ગણું બિલ ભરવાનું થાય તે સમજી શકાય તેવી વસ્તુ છે. આ અંગે જવાબદાર સામે કાર્યવાહી થાય તેવી અંતમાં માંગ કરી હતી.

અધિકારીઓએ ક્ષતિ સ્વીકારી અને બીજી તરફ અરજી કરવા દબાણ કર્યું!
બનાવ અંગે કેટલાક ખેડૂતો દ્વારા પીજીવીસીએલના ચૌહાણ અને વિરાણી સહિતનાં અધિકારીઓને લાઈવ વિડિયો કોલ કરીને મીટરના રીડિંગ બતાવવામાં આવ્યા હતા ત્યારે અધિકારીઓએ પણ સ્વીકાર્યું હતું કે ક્યાંક કોઇ કર્મચારીની ક્ષતિ રહી જવા પામી છે. જોવાની ખૂબી એ કે અધિકારીઓએ કર્મચારીઓને આદેશ આપવાના બદલે ખેડૂતોને અરજી કરી દેવા જણાવાયું હતું, સામે ખેડૂતોએ પણ કહ્યું હતું કે ભૂલ તમારા કર્મચારીઓની છે અમે શા માટે અરજી કરીએ ?

અન્ય સમાચારો પણ છે...