ગોંડલ સહિત રાજકોટ જિલ્લામાં અનેક જગ્યાએ મીટર રીડિંગ કર્યા વગર જ પીજીવીસીએલના કર્મચારીઓ એવરેજ બીલ ધાબડી દેતા હોવાની અનેકાનેક ફરિયાદો ઉઠી છે અને આ અંગેનો અહેવાલ આવ્યા છતાં તંત્રએ જાણે સુધરવું જ ન હોય તેમ દાદાગીરીની પરંપરા જાળવી રાખી છે અને ગોંડલની શિવમ રેસિડેન્સીમાં સાત મહિનાથી વીજ બીલ જ ન આપી, બાદમાં ચડત બીલ પેનલ્ટી સાથે વસુલવાની નીતિ આગળ ધપાવી હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
બીજી તરફ શિવમ રેસિડેન્સીના લોકોએ પણ અમારા કોઇ વાંક ગુના વગર અમારે શા માટે વધારાનું બીલ ભરવું અને ખોટા બીલ આવે તો ખુલાસાઓ કરવા તેવા સવાલો ઉઠાવ્યા છે. ગોંડલ નેશનલ હાઈવે ઉપર આવેલી શિવમ રેસિડેન્સીમાં રહેતા શહેર ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે પોતે શિવમ રેસિડેન્સીમાં રહે છે અને તેમનું વીજ કનેક્શન જયાબા જનકસિંહ જાડેજા નામનું છે.
જેમાં પીજીવીસીએલ તંત્ર દ્વારા છેલ્લા 7 મહિનાથી વિજબીલ આપવા આવ્યા જ નથી. અમે અહીં 50 થી 60 પરિવારોને બીલ મળ્યા નથી.અમે વીજ કર્મચારીઓને જાણ કરતા એવો જવાબ મળ્યો હતો કે બિલ ઓનલાઈન આવે જ છે. જ્યારે ઓનલાઇન તપાસ કરતા સાત મહિનાનું બિલ માત્ર 103 રૂપિયા આવ્યું છે. છેલ્લા સાત મહિનાનું એકપણ બિલ ઘરે આવ્યું નથી.
આ સિવાય અન્ય ઘણા એવા પણ મકાનો છે જ્યાં બિલ આપવા કર્મચારીઓ ન આવતા લોકોને ઓનલાઈન ચેક કરીને જ બિલ ભરવાની ફરજ પડી રહી છે તો આ અંગે યોગ્ય કરવા રજૂઆતની અંતમાં માંગ કરી હતી. બીજી તરફ આ અંગે તંત્રના અધિકારી હિરાણીએ એવો બચાવ કર્યો હતો કે અમે જે તે પરિવારને બીલ મોકલી આપ્યા છે, પરંતુ અમુકના ફોર્મમાં બ્લોક નંબર કે મોબાઇલ નંબર અપડેટ ન કર્યા હોવાથી તેમને બીલ મળ્યા નથી. એ અમે નજીકના ભવિષ્યમાં જ શોર્ટ આઉટ કરી લઇશું અને બીલ હાથોહાથ મળી જાય તેવી વ્યવસ્થા કરી લઇશું.
વાંક અધિકારીઓનો છતાં ભોગવવાનું નિર્દોષ લોકોએ!
બે મહિના સુધી બિલ ન આવવા અંગે કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે સમયસર વીજ બીલ ન આવે તો આગામી મહિનામાં ચડત બિલ તરીકે આવે છે અને ે દંડ સહિતની રકમ ભરવી પડે છે. ખરેખર બિલ પહોંચાડવામાં વીજતંત્રની જ બેદરકારી છે, પરંતુ લોકોને વિના વાંકે દંડની રકમ ભરવાની ફરજ પડતી હોય છે. આથી ઘરે ઘરે જઇને મીટર રીડિંગ કરીને જે વાસ્તવિક બીલ હોય તે જ આપવા જોઇએ તો ગ્રાહકો પર બોજ ન આવી પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.