રાજ્ય સરકાર દ્વારા ખરાબાની જમીન પરના દબાણ અંગે સર્વે હાથ ધરી દબાણો દૂર કરવા તજવીજ કરાઇ રહી છે, ત્યારે પશુ પાલકો તથા દેવીપુજક સમાજ દ્વારા વરસોથી મકાનો કે વાડા કરી પશુપાલન સાથે જીવનનિર્વાહ કરી રહેલા પરિવારોને જમીન કે વાડાઓ રેગ્યુલાઇઝ કરી આપવાની માંગ સાથે મામલતદારને આવેદન અપાયુ હતુ.
પ્રાપ્ત વિગતો મુજબ માલધારી સમાજના અગ્રણી પ્રફુલભાઈ ટોળીયા,ગૌતમભાઇ સિંધવ, સામંતભાઈ બાંભવા,ગોપાલભાઈ ટોળીયા,ઉપરાંત રાજેન્દ્રસિંહ જાડેજા સહિત ની આગેવાની હેઠળ પશુપાલક માલધારી સમાજ તથા દેવીપુજક સમાજ દ્વારા વિશાળ સંખ્યામા હાજર રહી મામલતદારને આવેદનપત્ર અપાયુ હતુ. જેમા જણાવાયું હતુ કે માલધારીઓ દ્વારા શહેર કે ગામના છેવાડે વાડા બાંધી માલ ઢોરનુ જતન કરી રહ્યા હતા.પરંતુ સમયાંતરે આ જમીનો કિંમતી થતા પશુપાલકોને ત્યાંથી હટાવાયા હતા.ગોંડલ વિસ્તારમાં કોટડા ખરેડા રોડ કે ડેમ વિસ્તારમાં હાલ વાડા બાંધી પશુધનની દેખભાળ કરાઇ રહી છે.
હવે તંત્ર દ્વારા ત્યાંથી પણ દૂર હટાવવા પ્રયત્નો શરુ થયા છે, જે અન્યાય કર્તા છે.પશુપાલકોની આર્થિક પરિસ્થિતિ નાજુક હોય જે તે જગ્યા ને રેગ્યુલાઇઝ કરી આપવી જોઈએ અન્યથા પશુઓ સાથે અનેક પરિવારોના જીવન નિર્વાહ નો સવાલ ઉભો થશે.એ જ રીતે દેવીપુજક સમાજના અનેક લોકો આજે ઘર વિહોણા હોય વરસોથી ઝુંપડા કે કાચા મકાનોમાં રહેતા હોય તેમને હટાવવા અન્યાય કર્તા ગણાશે.
એક બાજુ સરકાર ઉદ્યોગપતિઓને જમીનો ની લ્હાણી કરી રહી છે.બીજી બાજુ વરસોથી વંચીત રહેલા લોકોની રોજીરોટી તથા આશરો છીનવવા પ્રયાસ થઈ રહ્યા છે.આ બેધારી નીતિ સામે અનેક લોકોને મરવા મજબુર થવુ પડે તેવી કપરી સ્થિતિ હોય આ મુદાને ગંભીરતા આપી યોગ્ય કરવા અંતમાં જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.