રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે શહેર અને તાલુકાની જનતાની સુખાકારી માટે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરી આપવામાં આવ્યું હતું પરંતુ તબીબો અને અપૂરતા સ્ટાફને કારણે હાલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની જવા ગઇ છે જેના પરિણામે શહેર તાલુકા ઉપરાંત આસપાસના તાલુકાના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા અઢી વર્ષથી ઓર્થોપેડિકની જગ્યા ભરવામાં આવી ન હોય દર્દીઓને સામાન્ય એક્સ-રે પડાવવા પણ ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડી રહ્યો છે, તાજેતરમાં જ મેડિકલ ઓફિસરની પણ બદલી થઈ છે, ડેપ્યુટેશન ઉપર આવતા તબીબો અને કર્મચારીઓથી જ સમગ્ર હોસ્પિટલ ચાલી રહી છે, તાજેતરમાં જ સરકાર દ્વારા હોસ્પિટલમાં નવા છ વેન્ટિલેટર આપવામાં આવ્યા છે અહીં ટોટલ 10 વેન્ટિલેટર છે.
જો તંત્ર ધારે તો અદ્યતન આઇસીયુ યુનિટ ઊભું કરી શકે તેમ છે પરંતુ કોઈ એમડી ડોક્ટરની જગ્યા જ ભરવામાં આવી નથી, પરિણામે સાધનસામગ્રી હોવા છતાં પણ પ્રજાને હેરાન થવાનો વારો આવી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ અનુભવી તબીબ ગોંડલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા નથી માત્રને માત્ર અનુભવ લેવા આવતા તબિબો જ અહીં ફરજ બજાવી રહ્યા છે.
જનરલ ઓપીડી સિવાય અહીં કોઈપણ જાતનું કામકાજ ન થતું હોવાનું ફરિયાદના અંત જણાવાયું હતું. ગોંડલ શહેર નજીક આશરે ૩૦ કી.મી જેવો નેશનલ હાઈવે પસાર થતો હોય છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અકસ્માત બાદ સારવાર માટે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા હોય છે ત્યારે ઓર્થોપેડિક ડોક્ટર ન હોવાના કારણે સામાન્ય એક્સ-રે પણ ન નીકળતો હોય તાકીદે રાજકોટ અથવા અન્ય હોસ્પિટલમાં દર્દીઓને રિફર કરી દેવામાં આવી રહ્યા છે.
હોસ્પિટલમાં ઘટતા તબીબો અને સ્ટાફની ભરતી કરવા કુલદીપસિંહ એ માંગ કરી છે અન્યથા પ્રજાને સાથે રાખી આંદોલન છેડવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી રાજ્યના આરોગ્ય વિભાગની રહેશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી. ગોંડલ સિવિલ હોસ્પિટલની તકલીફ અંગે શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી તેમજ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતનાઓને પત્ર લખી જાણ કરવામાં આવી હતી કે ગોંડલ સિવિલ હોસ્પિટલ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની જવા પામી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.