108ની સરહાનીય કામગીરી:ગોંડલમાં ચાલુ વરસાદે કોલીથડના વાડી વિસ્તારમાં માતાની સફળ પ્રસુતિ, 108ની ટીમે સમયસુચકતાં સાથે માતા અને શિશુનો જીવ બચાવ્યો

ગોંડલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગોંડલ તાલુકાના હડમતાળા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા નર્મદાબેન વસુનિયાને વહેલી સવારે 5:30 વાગે પ્રસુતિની પીડા ઉપડતા પરિવારના સભ્યોએ 108 એમ્બ્યુલન્સ માટે સંપર્ક કર્યો હતો. 108ની ટીમે સમય સુચકતાં સાથે સ્થળ પર હાજર થઈને માતા અને શિશુનો જીવ બચાવ્યો હતો.

108ની ટીમના રાજકોટ જિલ્લાના ઈ.એમ.ઈ. વિરલ ભટ્ટએ જણાવ્યું હતું કે, 108ની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઈએમટી સ્ટાફ બાલુભાઈ અને પાયલોટ દેવસુરભાઈ કોલીથડ પહોંચી હતી. પરંતુ પહોંચતાની સાથે જ જાણવા મળ્યું કે, પ્રસુતા વાડી વિસ્તારમાં રહે છે. વાડી વિસ્તારમાં એમ્બ્યુલન્સ લઈ જવી અશ્ક્ય હોવાથી ઈએમટી બાલુભાઈ અને પાઈલોટ દેવસુરભાઈ લગભગ 1 કિમી જેટલું અંતર કાપીને પ્રસુતા દર્દીને સ્ટ્રેચરની મદદથી એમ્બ્યુલન્સ સુધી લઈ આવ્યા હતા. ઈએમટી બાલુભાઈને જાણ થઈ કે, ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડશે અને સાથે પ્રસુતાની તપાસ કરતાં જાણ થઈ કે તેનું વજન માત્ર 40 કિલો જ છે. આવી વિપરીત પરિસ્થિતિમાં પણ ઈએમટી બાલુભાઈએ તેમની આગવી કોઠાસૂઝનો ઉપયોગ કરી ડોક્ટરની ઓનલાઈન મદદથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.

ત્યારબાદ વધુ સારવાર માટે માતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની 108ની સેવાએ સંખ્યાબંધ લોકોને ત્વરીત તબીબી સેવા પુરી પાડી નવજીવન આપ્યું છે. રાજ્યભરમાં આ સેવા જુદીજુદી ઈમરજન્સી સેવાની જેમ સતત 24X7સેવાઓ પુરી પાડે છે. આ તકે પ્રસુતા દર્દીના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...